

પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુરની યુનિવર્સલ પબ્લિક સ્કૂલમાં 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળા ટ્રસ્ટી હેમંતભાઈ જોશીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીઓ રોહિતભાઈ પંચોલી, કૌશલભાઈ જોષી, રિતેશભાઈ બારોટ, લલિતભાઈ સુથાર, મેહુલભાઈ ઠક્કર, અનંતભાઈ ગઢવી સહિત કેમ્પસ ડાયરેક્ટર રિતુબેન ગિડવાની અને આચાર્ય કૃપાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા.
ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ દેશભક્તિની થીમ પર વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આપી હતી. ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓએ દેશભક્તિ આધારિત વેશભૂષા રજૂ કરી હતી, જ્યારે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર સુંદર નૃત્ય રજૂ કર્યું હતું. ધોરણ 9ના વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય દિવસના મહત્વ અંગે વક્તવ્ય આપી સૌને દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપ્યો હતો.
આ ઉપરાંત શિક્ષકો દ્વારા સ્વતંત્રતાના મૂલ્ય, રાષ્ટ્રપ્રત્યેની ફરજો અને જવાબદાર નાગરિક બનવા અંગે પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિસરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. શાળા પરિવાર દ્વારા કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારીથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી યાદગાર બની હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ