
પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી. સાર્વજનિક વિદ્યાલય અને ટી.ડી. સ્માર્ટ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન અને રાષ્ટ્રધ્વજને સલામી સાથે થઈ હતી. મુખ્ય મહેમાન વિવેકભાઈ પટેલ અને પંકજભાઈ જોશીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
‘બેક ટુ સ્કૂલ’ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પુનઃશિક્ષણના પ્રવાહમાં જોડવા બદલ ગુજરાત સરકાર દ્વારા મળેલું સન્માનપત્ર શાળા મંડળને અર્પણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પંકજભાઈ જોશી અને નિમીષાબેન ચૌધરીને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા.
વિદ્યાર્થીઓએ દેશભક્તિપૂર્ણ વક્તવ્યો, ગીતો અને વિવિધ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. વિદ્યાર્થીની ધ્રુવી રાવળે સેક્સોફોન વાદનની સુંદર રજૂઆત કરી હતી. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
મુખ્ય મહેમાન વિવેકભાઈ પટેલે સ્વાતંત્ર્યનું મહત્ત્વ, સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ડૉ. અતુલભાઈ અગ્રવાલ, ભુપેન્દ્રભાઈ પટેલ, ધીરુભાઈ શાહ, કેતનભાઈ પટેલ, કમલેશભાઈ શાહ, વી.વી. માળી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પંકજભાઈ જોશી તરફથી વિદ્યાર્થીઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય ડૉ. બી.આર. દેસાઈએ મહેમાનો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. ટી.ડી. સ્માર્ટ વિદ્યાલયના આચાર્ય હીરાભાઈ અને તેમનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહેમાનો, આચાર્યઓ અને શાળા પરિવારના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ