
કચ્છ, 15 ઓગસ્ટ (હિ.સ.) ભુજ શહેરમાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા GIDC વિસ્તારમાં દરોડો પાડી પોલીસે તીન પત્તીનો જુગાર રમતા નવ શખ્સોને ઝડપી પાડ્યા હતા. કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ રૂ.12,66,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પંકજ કુશવાહા અને શ્યામ ગઢવીને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. GIDC વિસ્તારમાં હનુમાનજી મંદિર પાછળ આવેલી લસણની ફેક્ટરીના ખુલ્લા વરંડામાં કેટલાક લોકો ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળતાં LCB ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
બાતમીના આધારે પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી દરોડો પાડતાં ત્યાં તીન પત્તીનો જુગાર રમતા નવ ઇસમો ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.3,31,900 રોકડા, ગંજીપાનાં 52 નંગ, સાત મોબાઇલ ફોન, પાંચ વાહનો સહિત કુલ રૂ.12,66,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે પકડાયેલા ઇસમોની ઓળખ વિમલ શશીકાંત જોષી, અનીલ ભરતભાઈ ઝાલા, નરેન્દ્રસિંહ દલપતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ માનસંગજી સોઢા, મામદહુશેન અબ્દુલા કુંભાર, નરેન્દ્ર જસાભાઈ મહેશ્વરી, ભીખાલાલ વીરજી મહેશ્વરી, હર્ષ મહેશભાઈ જેઠી અને કિશોર માવજીભાઈ દબાસીયા તરીકે કરી છે.
જુગારની બદી પર અંકુશ લાવવા LCB PI એ.એમ. મકવાણા તથા PSI જે.બી. જાદવ અને એમ.એચ. શીણોલની દેખરેખમાં ટીમે સફળ રેડ કરી હતી.
આ કાર્યવાહીમાં PSI જે.બી. જાદવ સહિત ASI પંકજ કુશવાહા, નિલેશ ભટ્ટ, HC નવીન જોષી, ધર્મેન્દ્ર રાવલ, રાજેન્દ્રસિંહ રાઠોડ, પ્રવિન્દ્રસિંહ ચૌધરી, શ્યામ ગઢવી અને વિક્રમસિંહ ગોહિલ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar