
કચ્છ, 15 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કિડાણા ગામે બનેલી ઘરફોડ ચોરીની ઘટનાનો લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ ગાંધીધામે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઈ સમગ્ર ગુનાની કડી ઉકેલી છે. પોલીસની આ કામગીરીમાં સોના-ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને ચોરીમાં ઉપયોગમાં લેવાતું વાહન મળી કુલ રૂ.5,41,435નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, 13 ઓગસ્ટની રાત્રે કિડાણા ગામમાં ફરિયાદી હાજી આમદભાઈ છુછીયાના રહેણાંક મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી રસોડામાં રાખેલા સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 14 ઓગસ્ટે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ તપાસ તેજ કરી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. વાળાની આગેવાની હેઠળની ટીમોએ ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી ચોરીમાં સંડોવાયેલા શખ્સોની હિલચાલ અંગે માહિતી એકત્રિત કરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે બે શખ્સો ચોરીના મુદ્દામાલ સાથે લક્ષ્મીનગર, કિડાણાથી આદિપુર તરફ જઈ રહ્યા છે.
બાતમીના આધારે એલસીબીની ટીમે કિડાણા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન મોટરસાઈકલ પર આવતા બે શખ્સોને અટકાવી તપાસ કરતાં તેમની પાસેથી ચોરી કરાયેલા સોના-ચાંદીના દાગીના તથા અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે બંનેને કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં કિડાણા ખાતે રહેતા 40 વર્ષીય જુમા આમદ રોહા અને 26 વર્ષીય ઈબ્રાહીમ ઉર્ફે ગોબલી હુશેન ચાવડાનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી સોનાનો હાર, કાનની ઈયરિંગ, વીંટી, બુટ્ટી તેમજ ચાંદીના સાંકડા, પાયલ, લડી અને બંગડી સહિતના દાગીના, બે મોબાઈલ ફોન તથા હીરો સ્પ્લેન્ડર મોટરસાઈકલ કબજે કરી છે.
પોલીસ તપાસમાં આરોપી જુમા આમદ રોહાનો અગાઉ પણ ચોરી, લૂંટ અને અન્ય ગંભીર ગુનાઓ સાથેનો ગુનાહિત ઈતિહાસ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કાર્યવાહી બાદ આરોપીઓને વધુ તપાસ માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ સફળ કામગીરી એલસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. વાળા, પીએસઆઈ ડી.જી. પટેલ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar