વાવડી સીમમાં શિકારના ઇરાદે પહોંચેલા શખ્સની દેશી બંદૂક સાથે ધરપકડ, એક સાગરીત ફરાર
કચ્છ, 15 ઓગસ્ટ (હિ.સ.) : ભુજ તાલુકાના પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર સાથે શિકારના ઇરાદે પહોંચેલા શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહીમાં એક સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક સહિત રોકડ, બે
હથિયાર સાથે પકડાયેલ યુવક


કચ્છ, 15 ઓગસ્ટ (હિ.સ.) : ભુજ તાલુકાના પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર સાથે શિકારના ઇરાદે પહોંચેલા શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહીમાં એક સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક સહિત રોકડ, બે મોબાઇલ ફોન અને મોટરસાઇકલ મળી કુલ રૂ.39,750નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર મામલામાં સંડોવાયેલો અન્ય એક શખ્સ પોલીસને હાથ લાગ્યો નથી અને તેને ઝડપી પાડવા માટે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

મળતી વિગતો મુજબ, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ટીમ ભુજ તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

દરમિયાન ASI સુરેન્દ્રસિંહ ઝાલા તથા દિવ્યરાજસિંહ જાડેજાને ખાનગી બાતમી મળી હતી કે, GJ-12-EA-4724 નંબરની એફ.ઝેડ. મોટરસાઇકલ પર બે શખ્સો વાવડી સીમ વિસ્તારમાં દેશી બનાવટની બંદૂક સાથે શિકાર કરવા માટે પહોંચ્યા છે. બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને જોઈ એક શખ્સ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જ્યારે જાકીર કાસમ મમણ, ઉંમર 42 વર્ષ, રહે. નાના વરનોરા, મસ્જિદ સામે, તાલુકો ભુજ, પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

પકડાયેલા શખ્સ પાસેથી સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક મળી આવી હતી. હથિયાર અંગે જરૂરી લાઇસન્સ કે કોઈ આધાર-પુરાવા રજૂ કરવા જણાવતાં તેની પાસે કોઈ પરવાનો ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની પાસેથી બંદૂક ઉપરાંત રૂ.3,750 રોકડા, બે મોબાઇલ ફોન અને મોટરસાઇકલ મળી કુલ રૂ.39,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે પધ્ધર પોલીસ સ્ટેશનમાં જાકીર કાસમ મમણ તથા ફરાર રમજુ ઉર્ફે ભાભો કાસમ ચૌહાણ વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25(1-B)(A) તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન ASI સુરેન્દ્રસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, HC રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ ગોહિલ અને શ્યામ ગઢવી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande