

પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.)દેશભક્તિની
ભાવનાને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા આયોજિત ‘હર ઘર તિરંગા–2026’
અભિયાન અંતર્ગત તા. 17 ઓગસ્ટ, 2026 સુધી પોરબંદર શહેરમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી
રહ્યું છે. આ વર્ષે ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરને ધ્યાનમાં રાખીને
‘સેલ્ફી વિથ તિરંગા’ અભિયાન દ્વારા નાગરિકોને તિરંગા સાથે સેલ્ફી લઈ HarGharTiranga.com
વેબસાઈટ પર અપલોડ કરવા પ્રોત્સાહિત
કરવામાં આવી રહ્યા છે. સેલ્ફી અપલોડ કરનાર નાગરિકોને ‘વંદે માતરમ’ના શબ્દો સાથેનો
વિશેષ વીડિયો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા
નાગરિકોની સુવિધા અને સહભાગિતા વધારવા શહેરના વિવિધ સ્થળોએ ‘સેલ્ફી વિથ તિરંગા’
પોઈન્ટ ઊભા કરાયા છે. જેમાં કમલાબાગ ગાર્ડન ખાતે 2, ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે 2, હાર્મની હોટેલ ખાતે 2 , કીર્તિમંદિર ખાતે 1, રાણીબાગ ગાર્ડન ખાતે 1, રૂપાલિબાગ ગાર્ડન ખાતે 1 તથા ચોપાટી
પાસેના બંને ગાર્ડનમાં 1-1 સેલ્ફી પોઈન્ટ ઉભા કરાયા છે. આ ઉપરાંત પોરબંદર
મહાનગરપાલિકાના 1 થી 13 વોર્ડમાં પણ સેલ્ફી પોઈન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા યોજાતા વિવિધ સરકારી અને જાહેર કાર્યક્રમોમાં એન્કર દ્વારા નાગરિકોને
તિરંગા સાથે સેલ્ફી લઈ તેને વેબસાઈટ પર અપલોડ કરવા અપીલ કરવામાં આવી છે. પોરબંદર
મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને ‘હર ઘર તિરંગા–2026’ અભિયાનમાં
ઉત્સાહપૂર્વક જોડાઈ તિરંગા સાથે સેલ્ફી લઈ વેબસાઈટ પર અપલોડ કરવા તથા દેશભક્તિના આ
રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya