
અમદાવાદ,15 ઓગસ્ટ (હિ.સ.) કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અપમાનને લઈ હેલમેટ સર્કલે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન અને અટકાયત કરવામાં આવી.
અમદાવાદના હેલ્મેટ ચાર રસ્તા ખાતે એનએસયુઆઈ દ્વારા ઉત્તરાખંડના હલ્દવાની ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ મંચનું ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ અને હવન કરવામાં આવ્યાનો વિવાદ વકર્યો છે.
આ ઘટનાના વિરોધમાં અને ખડગેના સમર્થનમાં અમદાવાદના હેલ્મેટ ચાર રસ્તા ખાતે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર રોષ સાથે ધરણાન પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન ઓવરબ્રિજ પરથી ભાજપના નેતાનું પૂતળું લટકાવવામાં આવતા અને ટ્રાફિકજામ સર્જાતા પોલીસે સ્થાનિક વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.
ભાજપના નેતાના પૂતળાને ફાંસી આપી બ્રિજ પરથી લટકાવ્યું
એનએસયુઆઈના કાર્યકર્તાઓ ભેદભાવની માનસિકતા મુર્દાબાદ, દલિત વિરોધી સરકાર નહીં ચલેગી, જાતિવાદ બંધ કરો જેવા પોસ્ટરો સાથે હેલ્મેટ ચાર રસ્તા ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને શાસક પક્ષ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે ચાર રસ્તા પર કડક બંદોબસ્ત ગોઠવ્યો હોવાથી કેટલાક કાર્યકરો હેલ્મેટ ઓવરબ્રિજ પર પહોંચી ગયા હતા અને ભાજપના નેતાના પૂતળાને ગળે ફાંસી આપી નીચે લટકાવી દીધું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ