સુરતમાં બર્થ-ડે પાર્ટી પર પોલીસનો દરોડો, ડ્રિંકિંગ ગેમ્સ સાથે 22 યુવક-યુવતીઓ ઝડપાયા
સુરત, 15 ઓગસ્ટ (હિ.સ.): સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ બર્થ-ડે પાર્ટી પર પોલીસે મોડી રાત્રે દરોડો પાડી દારૂની મહેફિલ માણી રહેલા 22 યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા લોકોમાં 8 મહિલાઓ અને 14 પુરુષોનો સમાવેશ થા
Surat


સુરત, 15 ઓગસ્ટ (હિ.સ.): સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ બર્થ-ડે પાર્ટી પર પોલીસે મોડી રાત્રે દરોડો પાડી દારૂની મહેફિલ માણી રહેલા 22 યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા લોકોમાં 8 મહિલાઓ અને 14 પુરુષોનો સમાવેશ થાય છે. તમામને મેડિકલ તપાસ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ તેમની સામે પ્રોહિબિશન કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પાર્ટીમાં માત્ર દારૂની મહેફિલ જ નહીં, પરંતુ દારૂ પીવા માટે ખાસ ગેમ્સ પણ તૈયાર કરવામાં આવી હતી. લુડો, સાપસીડી અને પત્તાની રમતના આધારે અલગ-અલગ નિયમો બનાવવામાં આવ્યા હતા, જેમાં પાસો અથવા પત્તાના આધારે કોણે કેટલો દારૂ પીવો અથવા બીજાને પીવડાવવો તે નક્કી થતું હતું. પાર્ટીમાંથી 'બ્લેકઆઉટ', 'શોટ્સ એન્ડ લેડર્સ' અને 'કાર્ડ રૂલેટ' જેવા ડ્રિંકિંગ ગેમ બોર્ડ પણ મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

દરોડા દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો, બીયરના ટીન, મોબાઈલ ફોન અને અનેક લક્ઝરી કાર સહિત એક કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ફાર્મહાઉસ પોલીસ સ્ટેશનથી અંદાજે 300 મીટર અને વ્યસન મુક્તિ કેન્દ્રથી માત્ર 50 મીટરના અંતરે હોવા છતાં આવી પાર્ટી યોજાતા, સ્થાનિક સ્તરે પણ ચર્ચા જાગી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ પાર્ટી એક યુવતીના જન્મદિવસ નિમિત્તે યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મિત્રો ભેગા થયા હતા. ઝડપાયેલા લોકોમાં વેપારીઓ, વિદ્યાર્થીઓ, નોકરીયાત અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા યુવાનોનો સમાવેશ થાય છે. ફાર્મહાઉસ ભાડે આપવાની પ્રક્રિયા અને આયોજકોની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande