સિદ્ધપુરમાં વૃદ્ધ પાસેથી રૂ.25 લાખની ખંડણી, 6 સામે ફરિયાદ
પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામના નિવૃત્ત વૃદ્ધ રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ પાસેથી રૂ.25 લાખની ખંડણી પડાવવા અને વધુ રૂ.3 કરોડની માંગણી કરવા બદલ સિદ્ધપુર પોલીસ મથકે 6 શખસો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ વૃદ્ધ અને તેમના પ
સિદ્ધપુરમાં વૃદ્ધ પાસેથી રૂ.25 લાખની ખંડણી, 6 સામે ફરિયાદ


પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામના નિવૃત્ત વૃદ્ધ રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ પાસેથી રૂ.25 લાખની ખંડણી પડાવવા અને વધુ રૂ.3 કરોડની માંગણી કરવા બદલ સિદ્ધપુર પોલીસ મથકે 6 શખસો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ વૃદ્ધ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.

ફરિયાદ મુજબ, 2019માં રમેશભાઈના પુત્ર કરણ અને કુટુંબી અંકિત અમરતભાઈ પટેલ વચ્ચે હળદર-કિસમિસના હોલસેલ ધંધાને લઈને વ્યવહાર શરૂ થયો હતો. વર્ષ 2022માં અંકિત પટેલે રૂ.3 કરોડનું નુકસાન થયું હોવાનું કહી કરણ પાસેથી રકમની ઉઘરાણી શરૂ કરી હતી. જમીનનો દસ્તાવેજ કરી આપ્યા બાદ પણ ઉઘરાણી ચાલુ રહી હતી.

ત્યારબાદ અંકિત પટેલે, રાજુભા બનેસંગ ઝાલા, ઉપેન્દ્રસિંહ, મનુભા બી. ઝાલા, નિકુલસિંહ એલ. ઝાલા અને કાનભા ઉર્ફે કનકસિંહ સહિતના શખસોને ઉઘરાણી માટે મોકલ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપીઓએ ફોન, વોટ્સએપ કોલ અને રૂબરૂ રોકીને પરિવારને ધમકીઓ આપી હતી.

પરિવારજનોના પ્રયાસોથી 10 ફેબ્રુઆરી 2026ના રોજ મરતોલી ચેહર માતાજીના મંદિર પાછળ રૂ.25 લાખ રોકડા આપવામાં આવ્યા હતા અને તેની પહોંચ પણ આપવામાં આવી હતી. તેમ છતાં આરોપીઓએ વધુ રકમની માંગ ચાલુ રાખી હતી. 25 જૂનના રોજ ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો કારમાં ઘરે આવી 11 જુલાઈ સુધીમાં બાકીના રૂ.3 કરોડ ચૂકવવા ધમકી અપાઈ હોવાનો આક્ષેપ છે.

આ મામલે સિદ્ધપુર પોલીસે, રાજુભા બનેસંગ ઝાલા (સુણસર, તા. ચાણસ્મા), ઉપેન્દ્રસિંહ (કટોસણ, તા. જોટાણા), મનુભા બી. ઝાલા (સુણસર, તા. ચાણસ્મા), નિકુલસિંહ એલ. ઝાલા (સદુથલા, તા. બેચરાજી), કાનભા ઉર્ફે કનકસિંહ (કટોસણ, તા. જોટાણા) અને અંકિતભાઈ અમરતભાઈ પટેલ (અમદાવાદ) સામે ગુનાહિત કાવતરું રચી ખંડણી માંગવા અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande