
ભાવનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગરની શિશુવિહાર સંસ્થા દ્વારા બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા અને તેમને મોબાઈલ-ઇન્ટરનેટથી દૂર રાખી સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવા અનોખી પહેલ કરવામાં આવી છે.
શ્રી કસ્તુરબા મોહનદાસ ગાંધી પ્રાથમિક શાળા નં.-૪૮ ખાતે શિક્ષિકા અંજનાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે વિવિધ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ, વૃક્ષોની સંભાળ, પાણી બચાવવું, પક્ષીઓ માટે પાણી અને ચણની વ્યવસ્થા કરવી, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, ઘરનો કચરો અલગ પાડવો અને કાગળનો પુનઃઉપયોગ કરવા જેવી પ્રવૃત્તિઓ કરી હતી. ઉપરાંત ઔષધીય વનસ્પતિઓ અને પક્ષીઓ વિશે માહિતી મેળવી તેમજ જૂના કપડાં જરૂરિયાતમંદોને આપવાની પ્રવૃત્તિમાં પણ ભાગ લીધો હતો.
આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા કુલ 30 પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ પૂર્ણ કરવામાં આવી હતી. જેના પરિણામે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, જળસંચય, વૃક્ષપ્રેમ અને પ્રકૃતિ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસિત થઈ છે.
15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને શિશુવિહાર સંસ્થા દ્વારા પ્રમાણપત્ર અને “પ્રકૃતિ મિત્ર” બેઝ આપવામાં આવ્યા હતા. કોર્પોરેટરના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષિકા અંજનાબેન ગઢવી દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક તથા સ્ટેશનરી કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
બાળપણથી જ બાળકોને પ્રકૃતિ સાથે જોડતી આ પહેલ પર્યાવરણપ્રેમી અને જવાબદાર નાગરિકોના ઘડતર માટે પ્રેરણાદાયી બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA