
ભાવનગર, 15 ઓગસ્ટ (હિ.સ.)લોહાણા જ્ઞાતિની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન-4ની પ્રથમ કારોબારી બેઠક રવિવાર, તા. 16 ઓગસ્ટ, 2026ના રોજ અમરેલી ખાતે યોજાશે.
ઝોન-4માં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2026-31ની પાંચ વર્ષની ટર્મ માટે સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા સમાજલક્ષી પ્રવૃત્તિઓને નવી દિશા આપવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠ્ઠલાણીના માર્ગદર્શન હેઠળ સવારે 10થી બપોરે 1:30 કલાક સુધી અમરેલીની લાઠી રોડ સ્થિત શ્રી લોહાણા મહાજન વાડી ખાતે બેઠક યોજાશે. જેમાં ઝોન-4ના નવનિયુક્ત હોદેદારો, જિલ્લા અને તાલુકા કક્ષાના આગેવાનો, આમંત્રિત મહેમાનો તેમજ વિવિધ મહાજનોના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી સહિતના હોદેદારો ઉપસ્થિત રહેશે.
બેઠકમાં નવનિયુક્ત હોદેદારોનો પરિચય, નિમણૂકપત્ર અર્પણ અને શપથવિધિ યોજાશે. સાથે જ ઝોનની રચના અને કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. શ્રી લોહાણા મહાપરિષદની વિવિધ સમિતિઓની કામગીરી, લોહાણા કનેક્ટ અને LIBF અંગે માહિતી તેમજ આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત વર્ષ 2027માં યોજાનાર શ્રી લોહાણા મહાપરિષદના 75મા વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી અંગે આયોજન કરવામાં આવશે. ઝોન-4ની કોર કમિટી અને વિવિધ સમિતિઓના સભ્યોનાં નામની જાહેરાત તથા બહાલી પણ આપવામાં આવશે.
બેઠકના અંતે ઓપન ફોરમમાં હોદેદારો પોતાના અભિપ્રાય રજૂ કરશે. ત્યારબાદ આભારવિધિ અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થશે. તમામ આમંત્રિત હોદેદારો અને આગેવાનોને સમયસર ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA