


ગાંધીનગર, 16 ઓગસ્ટ (હિ.સ.) : ૮૦મા સ્વતંત્રતા દિવસની સંધ્યાએ ગુજરાત લોકભવનના મહર્ષિ દયાનંદ સભામંડપ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય અધ્યક્ષતામાં સ્નેહમિલન 'એટ હૉમ' કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, વરિષ્ઠ અધિકારીઓ અને નાગરિકોને આઝાદીના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવીને દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા વીર શહીદો અને ક્રાંતિવીરોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ તકે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આ સ્વતંત્રતા પર્વ બેવડા આનંદનો અવસર છે, કારણ કે આજે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ચેતના પૂરનાર અમર ગીત 'વંદે માતરમ્'ની ૧૫૦મી જયંતી પણ છે. ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગવાન બિરસા મુંડા અને અગણિત શહીદોએ અંગ્રેજોના અમાનુષી અત્યાચારો અને યાતનાઓ સહન કરીને માતૃભૂમિની સ્વતંત્રતા માટે બલિદાન આપ્યા હતા. તેમના સ્વપ્નના ભારતનું નિર્માણ કરવું એ આપણી પરમ ફરજ છે.
રાજ્યપાલએ ભારતની વૈશ્વિક પ્રગતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વ હેઠળ ભારત વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની ચૂક્યું છે. દેશમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ઐતિહાસિક કાર્ય શરૂ થઈ ચૂક્યું છે, ટૂંક સમયમાં ગુજરાતની ધરતી પર બુલેટ ટ્રેન દોડતી દેખાશે અને વંદે ભારત ટ્રેનો તેમજ સ્વદેશી લડાયક વિમાનો ભારતની સમર્થ તકનીકી તાકાતની સાક્ષી પૂરે છે. તેમણે વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા માટે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પમાં દરેક નાગરિકને નિષ્ઠાપૂર્વક યોગદાન આપવા આહવાન કર્યું હતું.
રાજ્યપાલએ તેમના ગ્રામ કલ્યાણ કાર્યક્રમોના અનુભવો વર્ણવતા જણાવ્યું કે, તેઓ પ્રાથમિક શાળાઓમાં રોકાણ કરે છે અને રાત્રી સભામાં ગ્રામજનો સાથે શિક્ષણ, સંસ્કાર, વ્યસનમુક્તિ અને પ્રાકૃતિક કૃષિ પર સાર્થક સંવાદ સાધે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ્સના અતિરેકથી કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે. રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન હેઠળ સૌ નાગરિકો પ્રાકૃતિક ઉત્પાદનો અપનાવીને પહેલું સુખ તે નિરોગી કાયાનો મંત્ર સાકાર કરે તેવો અનુરોધ રાજ્યપાલશ્રીએ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન પ્રસિદ્ધ ગાયક કલાકાર જગત વર્મા દ્વારા રજૂ કરવામાં આવેલા ભાવસભર દેશભક્તિ ગીતોએ સમગ્ર સભાગૃહને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધું હતું. રાજ્યપાલએ શાલ ઓઢાડીને જગત વર્માનું બહુમાન કર્યું હતું.
કાર્યક્રમના અંતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મહાનુભાવો, રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ તેમજ અગ્રણી મહાનુભાવો અને નાગરિકોને મળી સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓનું આદન-પ્રદાન કર્યું હતું. તેમજ લોકભવન પરિસરમાં યોજાયેલા પ્રાકૃતિક કૃષિના વિવિધ સ્ટોલ્સનું નિદર્શન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના લોકાયુક્ત બિરેન વૈષ્ણવ, અન્ય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ આર.પી. ઢોલરીયા, શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખઓ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ધારાસભ્યઓ, મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, ડીજીપી જી. એસ. મલિક, દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન અને ભારતીય થલ સેનાના ઉચ્ચ અધિકારીઓ, કોસ્ટ ગાર્ડના અધિકારીઓ, વરિષ્ઠ આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. અધિકારીઓ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમજ સામાજિક અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ