
નવસારી, 16 ઓગસ્ટ (હિ.સ.): નવસારી જિલ્લાના નેશનલ હાઈવે-48 પર દુવાડા નજીક મુંબઈથી અમદાવાદ જઈ રહેલી મહારાષ્ટ્ર નંબરની BMW કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં મુસાફરી કરી રહેલી બે મહિલા અને બે બાળકો સમયસર બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.
માહિતી મુજબ, કારમાં શોર્ટ સર્કિટ થતાં પહેલા સ્પાર્ક થયો અને ત્યારબાદ બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. કાર ચલાવી રહેલી એકતા મહેતાએ સ્થિતિને સમજી તરત જ વાહનને હાઈવેની સાઈડમાં ઉભું રાખ્યું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
ઘટનાની જાણ થતાં ગણદેવી ફાયર વિભાગની ટીમ, તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે આગના કારણે કારને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે