
ભાવનગર, 16 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ એસ. દોશીનું “વિશિષ્ટ પ્રતિભા નાગરિક સન્માન”થી સન્માન કરવામાં આવ્યું હતું.
મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, BMC કમિશનર ડો. એન. કે. મીના, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશનભાઈ મહેતા સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.
ડૉ. તેજસ દોશી છેલ્લા અનેક વર્ષોથી ભાવનગરને સ્વચ્છ, સુંદર, હરિયાળું અને પ્લાસ્ટિકમુક્ત શહેર બનાવવાના સંકલ્પ સાથે વિવિધ જનજાગૃતિ અભિયાનો ચલાવી રહ્યા છે. સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિક મુક્તિ, રિસાયક્લિંગ અને પર્યાવરણ સંરક્ષણ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય તેઓ સતત કરી રહ્યા છે.
તેમના પ્રયાસોથી “50 પ્લાસ્ટિક બેગ સામે 1 કાપડની થેલી”, “Recycle–Reproduce–Reuse”, Eco Brick અને કાપડની થેલીના ઉપયોગ જેવા અભિયાનોને લોકસમર્થન મળ્યું છે.
પ્લાસ્ટિકના નાના ટુકડાઓ નાળીઓ અને ડ્રેનેજમાં જઈ અવરોધ ન સર્જે તે માટે શરૂ કરાયેલ “Don’t Cut the Corner” અભિયાનને પણ સારો પ્રતિસાદ મળ્યો છે.
ડૉ. દોશી સ્વચ્છતાને દરેક નાગરિકની સામૂહિક જવાબદારી ગણાવી રોજિંદા જીવનમાં નાના ફેરફારો દ્વારા પર્યાવરણમિત્ર શહેર નિર્માણનો સંદેશ આપી રહ્યા છે. સન્માન બદલ તેમણે મહાનગરપાલિકા અને નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA