
નવસારી, 16 ઓગસ્ટ (હિ.સ.): નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રુમલા ગામમાં પારિવારિક વિવાદે ગંભીર વળાંક લીધો હતો. પત્ની સાથે થયેલા ઝઘડા દરમિયાન વચ્ચે પડેલા 24 વર્ષીય સુરજ પટેલ પર, પિતા નિલેશ પટેલે છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે સુરજનું મોત નીપજ્યું હતું, જ્યારે માતા અને વૃદ્ધ દાદા પણ હુમલામાં ઘાયલ થયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, પતિ-પત્ની વ ચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ નિલેશ પટેલે પત્ની પર હુમલો કર્યો હતો. આ દરમિયાન પુત્ર સુરજ માતાને બચાવવા વચ્ચે પડતાં આરોપીએ તેના પર પણ છરીના ઘા ઝીંક્યા હતા. પત્ની અને વૃદ્ધ પિતાને પણ ઈજાઓ પહોંચાડીને આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોએ સુરજને મૃત જાહેર કર્યો હતો.
માતાની ફરિયાદના આધારે ચીખલી પોલીસે આરોપી નિલેશ પટેલ સામે હત્યા અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. ઘાયલ માતા અને વૃદ્ધ દાદાની સારવાર હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે