
ભાવનગર,16 ઓગસ્ટ (હિ.સ.)સિહોર શહેરની અર્બન એકતા સોસાયટી વિસ્તારમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. અર્બન હેલ્થ સેન્ટરની ટીમ તેમજ વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા વિસ્તારમાં સઘન સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સોસાયટી વિસ્તારના વિવિધ સ્થળોએ મેલેથિયોનનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સાથે જ મચ્છર અને અન્ય વેક્ટરના નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. સંભવિત રોગચાળો અટકાવવા માટે રહેણાંક વિસ્તારો, આસપાસના સ્થળો તથા પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોની પણ તપાસ કરવામાં આવી હતી.આ દરમિયાન પરિવારના સભ્યોના આરોગ્ય અંગે માહિતી મેળવવામાં આવી તેમજ તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી, બેભાન થવું કે અન્ય શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓ અંગે જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી હતી.
આ ઉપરાંત વિસ્તારમાં પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા, ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવા, કચરો દૂર રાખવા તથા મચ્છર-જંતુઓથી બચાવ માટે જરૂરી સાવચેતી રાખવા સમજ આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA