
નવસારી, 16 ઓગસ્ટ (હિ.સ.): નવસારી એલસીબીએ બીલીમોરા વિસ્તારમાં બંધ મકાનોમાં થતી ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલી એક શાતિર તસ્કરની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી આશરે ₹10.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીથી બીલીમોરા પોલીસ મથકે નોંધાયેલા ચાર ઘરફોડ ચોરીના ગુનાઓનો પણ પર્દાફાશ થયો છે.
પોલીસે અરીફુદ્દીન ઉર્ફે અરીફ ઝહીરૂદ્દીન કાસમુદ્દીન સૈયદને બીલીમોરા-દેવસર રોડ પર ધકવાડા ત્રણ રસ્તા નજીક નંબર પ્લેટ વગરની ચોરીની સ્પ્લેન્ડર બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી દિવસ દરમિયાન ફળની લારી લઈને રહેણાંક વિસ્તારોમાં ફરી બંધ મકાનોની રેકી કરતો અને રાત્રે બારી, ગ્રીલ અથવા તાળા તોડી કિંમતી સામાનની ચોરીને અંજામ આપતો હતો.
પોલીસે આરોપી પાસેથી ત્રણ સોનાની લગડીઓ, રોકડ રકમ, મોબાઈલ ફોન અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બાઈક સહિત કુલ ₹10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપી સામે સુરત ગ્રામ્ય, વલસાડ, તાપી, ગણદેવી, વાંસદા, ચીખલી અને બીલીમોરા સહિત વિવિધ પોલીસ મથકોમાં અગાઉથી ચોરીના 11 ગુના નોંધાયેલા છે. હાલ પોલીસ તેની વધુ પૂછપરછ કરીને અન્ય ગુનાઓની કડીઓ શોધી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે