



પોરબંદર, 16 ઓગસ્ટ (હિ.સ.)‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ‘શક્તિદૂત 2.0’ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોરબંદરના શૂટિંગ સ્પોર્ટ્સ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર કાજલ પરેશ વાઘેલાને પ્રતિષ્ઠિત જયદીપસિંહ સિનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને મોમેન્ટો, પ્રમાણપત્ર, બ્લેઝર મટીરીયલ તથા રૂ. 20,000ના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતો આ એવોર્ડ રમતવીરોની વર્ષોની મહેનત, સમર્પણ, સંઘર્ષ અને ક્યારેય હાર ન માનવાની ભાવનાનું સન્માન છે. કાજલ વાઘેલા છેલ્લા 15 વર્ષથી શૂટિંગ સ્પોર્ટ્સ સાથે જોડાયેલા છે. તેમણે જુનિયર કક્ષાના ખેલાડીઓને શૂટિંગ સ્પોર્ટ્સ અંગે તાલીમ અને માર્ગદર્શન આપી રમતગમત ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
જયદીપસિંહ સિનિયર એવોર્ડથી સન્માનિત થવા બદલ કાજલ વાઘેલાએ તાલીમ, માર્ગદર્શન અને સહયોગ બદલ ગુજરાત રાજ્ય રાયફલ શૂટિંગ એસોસિએશન, બરોડા રાયફલ ક્લબ તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમારોહ દરમિયાન રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની ઉત્કૃષ્ટ રમતગમત સિદ્ધિઓ બદલ એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહ એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya