
કચ્છ, 16 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના પૂર્વ વિસ્તારમાં વધી રહેલા મિલકત સંબંધી ગુનાઓ સામે પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત આદિપુર પોલીસે મહત્વની સફળતા મેળવી છે. આદિપુર, અંજાર અને ગાંધીધામ વિસ્તારમાંથી મોટરસાઇકલ ચોરીના બનાવોને અંજામ આપતા એક આરોપીને ઝડપી પાડ્યા બાદ તેની પૂછપરછ દરમિયાન અન્ય બે વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે ચોરી થયેલી બે સ્પ્લેન્ડર મોટરસાઇકલ પણ કબજે કરી છે, જેની કુલ કિંમત આશરે એક લાખ રૂપિયા થાય છે.
બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા તેમજ અગાઉ બનેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા પોલીસ તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના પગલે અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી તથા આદિપુર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાની માર્ગદર્શિકા હેઠળ પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી.
આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાઇકલ ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મળેલી મહત્વપૂર્ણ માહિતીના આધારે તપાસને આગળ ધપાવવામાં આવતા ગાંધીધામ એ ડિવિઝન અને અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાઇકલ ચોરીના બે અલગ-અલગ ગુનાઓનો પર્દાફાશ થયો હતો.
પોલીસે આરોપી તબરેઝહુશેન સ/ઓ દોસ્તમહોમદ સિપાહીને ઝડપી પાડ્યો છે. તેની સાથે સંજય ગાંડાભાઈ દેવીપૂજકનું નામ પણ તપાસમાં સામે આવ્યું છે, જે હાલ પાલારા જેલ હવાલાતમાં હોવાનું પોલીસે જણાવ્યું છે.તપાસ દરમિયાન ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાંથી એક સ્પ્લેન્ડર મોટરસાઇકલ અને અંજાર પોલીસ સ્ટેશનના ગુનામાંથી બીજી સ્પ્લેન્ડર મોટરસાઇકલ મળી આવી છે. બંને વાહનોની કુલ કિંમત રૂ. એક લાખ જેટલી હોવાનું સામે આવ્યું છે.
આ બંને ગુનાઓમાં બી.એન.એસ.ની કલમ 303(2) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આ ચોરીના બનાવોમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આદિપુર પોલીસની કાર્યવાહીથી વિસ્તારમાં બનેલા વધુ બે વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar