ઘરકામના બહાને વિશ્વાસ જીત્યો, પછી બની ઘરફોડ ચોરીની ગેંગ! આદિપુર પોલીસે નેપાળની બે મહિલાઓને ઝડપી એક કરોડથી વધુની 6 ચોરીનો ભેદ ઉકેલ્યો
કચ્છ, 16 ઓગસ્ટ (હિ.સ.) : પૂર્વ કચ્છમાં ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા ગુનાઓની તપાસ દરમિયાન આદિપુર પોલીસે આંતરરાજ્ય ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે નેપાળની બે મહિલાઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત અલગ-અલગ રાજ્યોમા
આદિપુર ઘરફોડ કેસના આરોપીઓ


કચ્છ, 16 ઓગસ્ટ (હિ.સ.) : પૂર્વ કચ્છમાં ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા ગુનાઓની તપાસ દરમિયાન આદિપુર પોલીસે આંતરરાજ્ય ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે નેપાળની બે મહિલાઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત અલગ-અલગ રાજ્યોમાં થયેલી કુલ છ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઘરકામના બહાને પોશ વિસ્તારોમાં પ્રવેશ મેળવી મકાનમાલિકોનો વિશ્વાસ જીતતા અને પરિવારની હિલચાલ પર નજર રાખ્યા બાદ ચોરીને અંજામ આપતા હતા.

આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોર્ડ-6/સીમાં આવેલા એક મકાનમાં ઘરકામ કરતી નેપાળી મહિલાએ મકાનમાલિકનો વિશ્વાસ કેળવ્યો હતો. મકાનમાલિક પરિવાર સાથે બહાર ગયો ત્યારે મહિલાએ પોતાના સાથીદારોને બોલાવી મકાનમાં ઘરફોડ ચોરી કરી હતી. આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રો મારફતે મહત્વની કડીઓ મળી હતી.

પોલીસે મળેલી માહિતીના આધારે આદિપુર શહેરની વિવિધ સોસાયટીઓમાં ઘરકામ શોધવાના બહાને ફરી રહેલી બે નેપાળી મહિલાઓને ઝડપી લીધી હતી. તેમની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરોપીઓએ મહારાષ્ટ્રના પુણે શહેરમાં ત્રણ અને કર્ણાટકના બેંગલોરમાં એક મકાનમાં ઘરકામના બહાને રહી મકાનમાલિકોનો વિશ્વાસ જીતી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. તપાસમાં થાણે શહેરમાં થયેલી વધુ એક ચોરીનો ગુનો પણ સામે આવ્યો હતો.

આરોપીઓ ચોરી કરેલો સોનાનો સામાન અને અન્ય કિંમતી વસ્તુઓ નેપાળ લઈ જઈ વેચી દેતા હતા. ચોરીમાંથી મળેલા નાણાંનો ઉપયોગ પ્રવાસ, ફ્લાઈટ, ખાવા-પીવા અને મોજશોખ માટે કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પકડાયેલી મહિલાઓ સલીના ધનબહાદુર શાહી અને રવીના ઉર્ફે વિવેક શાહીની પાસેથી સોનાની ડાયમંડ રિંગ, મોબાઈલ ફોન, ભારતીય તથા નેપાળી ચલણ સહિત કુલ રૂ.1,85,790નો મુદ્દામાલ મળી આવ્યો છે. જ્યારે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય ત્રણ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે.

આ સમગ્ર કાર્યવાહી આદિપુર પોલીસ, ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટેકનિકલ ટીમના સંકલિત પ્રયાસોથી સફળ બની છે. પોલીસની આ કામગીરીથી એક કરોડથી વધુની કુલ કિંમત ધરાવતા છ વણઉકેલાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande