રાખડીમાં રંગાયું સ્વાવલંબનનું સપનું: ગાંધીધામમાં ‘સ્નેહની રાખી’ મેળામાં કચ્છી કળાને મળ્યું નવું મંચ
કચ્છ, 16 ઓગસ્ટ (હિ.સ.) : રક્ષાબંધનના પર્વને માત્ર લાગણી અને ભાઈ-બહેનના પવિત્ર સંબંધ પૂરતું સીમિત ન રાખી, તેને મહિલા સશક્તિકરણ અને સ્વરોજગાર સાથે જોડવાનો અનોખો પ્રયાસ ગાંધીધામ ખાતે જોવા મળ્યો. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા કચ્છના પ્રભારીમંત્રી કાં
ગાંધીધામ રાખી મેળાનું આયોજન


ગાંધીધામ રાખી મેળાનું આયોજન


ગાંધીધામ રાખી મેળાનું આયોજન


ગાંધીધામ રાખી મેળાનું આયોજન


ગાંધીધામ રાખી મેળાનું આયોજન


કચ્છ, 16 ઓગસ્ટ (હિ.સ.) : રક્ષાબંધનના પર્વને માત્ર લાગણી અને ભાઈ-બહેનના પવિત્ર સંબંધ પૂરતું સીમિત ન રાખી, તેને મહિલા સશક્તિકરણ અને સ્વરોજગાર સાથે જોડવાનો અનોખો પ્રયાસ ગાંધીધામ ખાતે જોવા મળ્યો. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા કચ્છના પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે, ‘સ્નેહની રાખી – સ્વાવલંબનની ડોરી’ નામના વિશેષ રાખી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મેળામાં મહિલાઓની સર્જનાત્મકતા, પરંપરાગત કારીગરી અને આત્મનિર્ભર બનવાની ભાવનાનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું.

મેળામાં કચ્છ અને ગુજરાતની વિવિધ લોકકળાઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. મહિલા કારીગરોએ પોતાના હાથની કારીગરીથી તૈયાર કરેલી રાખડીઓ ઉપરાંત મોતીકામ, પટોળા, બાંધણી, કચ્છી ભરતકામ, બ્લોક પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલિયા, મશરૂ, ટેરાકોટા, કલમકારી અને અન્ય હસ્તકલાની વસ્તુઓ સ્ટોલ પર રજૂ કરી હતી. પરંપરાગત કળાને આધુનિક બજાર સાથે જોડવાનો આ પ્રયાસ સ્થાનિક કારીગરો માટે રોજગારીની નવી તકો ઊભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ બની રહ્યો છે.

મેળાના વિવિધ સ્ટોલની મુલાકાત દરમિયાન પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ મહિલા કારીગરો સાથે સંવાદ કરી તેમની કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે મહિલાઓની મહેનત અને કૌશલ્યની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. મહિલાઓ પોતાની પ્રતિભા અને કૌશલ્યને વ્યવસાય સાથે જોડીને આત્મનિર્ભર બને તે સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે.

મેળામાં ઉપસ્થિત લોકોએ પણ મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ ઉત્પાદનોમાં રસ દાખવ્યો હતો. આવા આયોજનોથી સ્થાનિક કળાને બજાર મળે છે, કારીગરોને સીધું વેચાણ કરવાની તક મળે છે અને પરંપરાગત હુન્નરને નવી પેઢી સુધી પહોંચાડવામાં મદદ મળે છે.

આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી સહિત વિવિધ પદાધિકારીઓ, આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામનો આ રાખી મેળો રક્ષાબંધનની લાગણી સાથે મહિલા શક્તિ, કૌશલ્ય અને સ્વાવલંબનનો સંદેશ આપતો પ્રેરણાદાયી અવસર બની રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande