




કચ્છ, 16 ઓગસ્ટ (હિ.સ.) : મુન્દ્રામાં હરિયાળી અમાસ અને શ્રાવણ માસના પવિત્ર પ્રારંભને અનોખી પર્યાવરણલક્ષી પહેલ સાથે ઉજવવામાં આવ્યો હતો. શિખા ફાઉન્ડેશન, શિખા ગ્રીન અર્થ મિશન અને વેક્ટર એકેડેમીના સંયુક્ત ઉપક્રમે બારોઈ રોડ પર આવેલી વેક્ટર એકેડેમી ખાતે વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. “વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો” અને “એક વૃક્ષ–એક સંકલ્પ”ના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં 165થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમને માત્ર વૃક્ષ વિતરણ પૂરતો સીમિત ન રાખી બાળકોમાં પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી વિકસે તે દિશામાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ત્રણ દિવસ અગાઉથી બાળકોને પર્યાવરણના મહત્વ અંગે માર્ગદર્શન અપાયું હતું. વૃક્ષો માનવજીવન માટે ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત હોવા ઉપરાંત ગરમીમાં રાહત, છાંયો, વરસાદી ચક્ર અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તે અંગે બાળકોને સમજ આપવામાં આવી હતી.
આ જાગૃતિ બાદ બાળકોને વિવિધ પ્રકારના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોપા પ્રાપ્ત કર્યા બાદ બાળકોએ પોતાના વૃક્ષનું વાવેતર કરી તેને નિયમિત પાણી આપવાથી લઈને ઉછેર અને જાળવણી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ રીતે નાનપણથી જ બાળકોમાં હરિયાળી પ્રત્યે જવાબદારી અને સંવેદનશીલતા કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વૃક્ષોની વ્યવસ્થા મુન્દ્રા ફોરેસ્ટ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ સાડાઉ નર્સરીના પારૂલબેન દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકોને સંસ્થા તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા, જ્યારે ટ્રસ્ટી તરુણભાઈ રાંભીયા દ્વારા ચોકલેટ આપી બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
આ પર્યાવરણલક્ષી અભિયાનને સફળ બનાવવા શિખા ફાઉન્ડેશનના ફાઉન્ડર કપિલભાઈ વ્યાસ, ટ્રસ્ટી તરુણભાઈ રાંભીયા, વેક્ટર એકેડેમીના ફાઉન્ડર વિપુલભાઈ માકાણી સહિત અનિશભાઈ, કેતનભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ વોરા, પ્રિયંકાબેન પ્રજાપતિ, ગોરી મેમ, મમતાબેન શાહ, વિશાલભાઈ, ધ્યાનમભાઈ ચૌધરી, ગજેન્દ્રભાઈ ચૌહાણ, દેવાંગભાઈ પરમાર, ઓમપ્રકાશ ચૌધરી, રાહુલભાઈ પરમાર, સત્યમ ઝા અને રવિ શંકર સહિતના સહયોગીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. મુન્દ્રામાં યોજાયેલી આ પહેલે બાળકોને માત્ર એક રોપું નહીં, પરંતુ આવનારી પેઢી માટે હરિયાળું ભવિષ્ય જાળવવાનો સંકલ્પ આપ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar