હિંડોળાના દર્શનથી જીવનની દૃષ્ટિ સુધી: મુન્દ્રામાં વિદ્યાર્થીઓએ મંદિરમાં જ શીખ્યા જીવનના પાઠ
કચ્છ, 16 ઓગસ્ટ (હિ.સ.) : પરંપરા અને આધુનિક શિક્ષણનો અનોખો સમન્વય મુન્દ્રાના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં જોવા મળ્યો, જ્યાં ધાર્મિક પરંપરાના ભાગરૂપે યોજાતા કલાત્મક હિંડોળા દર્શનને ધોરણ-૯ના ૮૦ વિદ્યાર્થીઓ માટે અનુભવાત્મક શિક્ષણની પ્રવૃત્તિમાં રૂપાંતરિત
સ્વામીનારાયણ મંદિર


હિંડોળા નું આયોજન


કચ્છ, 16 ઓગસ્ટ (હિ.સ.) : પરંપરા અને આધુનિક શિક્ષણનો અનોખો સમન્વય મુન્દ્રાના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં જોવા મળ્યો, જ્યાં ધાર્મિક પરંપરાના ભાગરૂપે યોજાતા કલાત્મક હિંડોળા દર્શનને ધોરણ-૯ના ૮૦ વિદ્યાર્થીઓ માટે અનુભવાત્મક શિક્ષણની પ્રવૃત્તિમાં રૂપાંતરિત કરવામાં આવ્યો. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના સર્વાંગી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણના અભિગમને અનુરૂપ યોજાયેલા આ પ્રયોગમાં વિદ્યાર્થીઓએ હિંડોળાને માત્ર આંખોથી જોયા નહીં, પરંતુ તેની પાછળ રહેલી કલા, વિજ્ઞાન, ગણિત, મહેનત અને જીવનમૂલ્યોને સમજવાનો પ્રયાસ કર્યો.

પ્રયોગકર્તા ડો. કેશુભાઈ મોરસાણિયાના માર્ગદર્શન હેઠળ, વિદ્યાર્થીઓને પાંચ-પાંચના જૂથમાં વહેંચવામાં આવ્યા હતા. દરેક જૂથને અલગ હિંડોળાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરાવી તેમાં રહેલા રંગ, આકાર, પ્રમાણ, રચના, સમમિતિ, સજાવટ, સામગ્રી, સુરક્ષા અને કલાત્મકતાની નોંધ લેવા પ્રેરિત કરવામાં આવ્યા. આ દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા, પ્રશ્નોત્તરી અને તાર્કિક વિચારવિમર્શ થયો.

પ્રવૃત્તિની શરૂઆત એક સરળ પરંતુ વિચારપ્રેરક પ્રયોગથી થઈ. ખાલી હથેળી અને મુઠ્ઠી બતાવી “મુઠ્ઠીમાં શું છે?” એવો પ્રશ્ન કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓના જવાબ બાદ તેમને સમજાવવામાં આવ્યું કે આંખે દેખાતું ન હોય એટલે તેનું અસ્તિત્વ ન હોય એવું જરૂરી નથી. આ વિચારને આગળ વધારી હિંડોળાને પણ માત્ર ઉપરછલ્લી નજરથી નહીં, પરંતુ ઊંડા અવલોકનથી સમજવાની દિશા આપવામાં આવી.

હિંડોળાની રચનામાં કારીગરોની સર્જનાત્મકતા, ચોકસાઈ, ધીરજ અને પરિશ્રમને ઓળખવાની સાથે વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન અને કલાના તત્ત્વોને પણ શોધ્યા. હિંડોળાનું સંતુલન જીવનમાં વિચાર અને વર્તનના સંતુલન સાથે, જ્યારે તેની રચનામાં અનેક લોકોના સહયોગને ટીમવર્ક સાથે સાંકળવામાં આવ્યો.

સમગ્ર પ્રવૃત્તિને પંચકોશાત્મક વ્યક્તિત્વ વિકાસ સાથે જોડવામાં આવી. શરીરથી લઈને મન, વિચારશક્તિ અને આંતરિક આનંદ સુધીના વિકાસના વિવિધ પાસાં વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા. અવલોકન, કલ્પના, તર્ક, નિર્ણયક્ષમતા, સંવાદ, સર્જનાત્મકતા અને સહકાર જેવા કૌશલ્યોને પ્રવૃત્તિ દ્વારા વિકસાવવાનો પ્રયાસ થયો.

વિદ્યાર્થીઓએ અંતે પોતાના જૂથના તારણો અને જીવનબોધ રજૂ કર્યા. આચાર્યો મહેશભાઈ જાદવ અને ફોરમબહેન જોષીની સહભાગિતામાં વિદ્યાર્થીઓના અવલોકન અને સર્જનાત્મક રજૂઆતનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા. તપસ્વીની સાંખ્યયોગી સામબાઈ ફઈએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યાં.મંદિરના સાંખ્યયોગી ઉર્મિલાબાઈએ પણ હિંડોળા મહોત્સવના સંદર્ભમાં વિદ્યાર્થીઓને જીવનમાં રહેલી શક્તિઓને યોગ્ય દિશામાં ગોઠવવાનો સંદેશ આપ્યો. કાર્યક્રમના અંતે ડો. કેશુભાઈ મોરસાણિયાએ “ઘર એ જ વિદ્યાલય”નો વિચાર રજૂ કરી શિક્ષણને શાળા પૂરતું સીમિત ન રાખવા આહવાન કર્યું.

મુન્દ્રામાં યોજાયેલો આ પ્રયોગ સાબિત કરે છે કે શિક્ષણ માટે વર્ગખંડની ચાર દીવાલો જરૂરી નથી. મંદિર, ઘર, સમાજ અને પ્રકૃતિ પણ જ્ઞાનના જીવંત સ્ત્રોત બની શકે છે. હિંડોળાના દર્શનને જીવનદર્શન સાથે જોડતો આ પ્રયાસ વિદ્યાર્થીઓ માટે ‘દર્શનથી દૃષ્ટિ અને દૃષ્ટિથી જીવનદિશા’ તરફ લઈ જતો અનોખો શૈક્ષણિક અનુભવ બની રહ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande