


પોરબંદર, 16 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી (GSACS) તથા જિલ્લા આરોગ્ય વિભાગ, પોરબંદર દ્વારા નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO)ની માર્ગદર્શિકા અનુસાર ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઇનનું 12 ઓગસ્ટ, 2026 ના રોજ GMERS મેડિકલ કોલેજ અને ભાવસિંહજી જનરલ હોસ્પિટલ, પોરબંદર ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ અભિયાન 12 ઓક્ટોબર, 2026 સુધી સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે યોજાશે.
“Let Us Participate, Not Discriminate” – “ચાલો સહભાગી બનીએ, ભેદભાવ ન કરીએ”ની થીમ હેઠળ આયોજિત આ મહાજાગૃતિ અભિયાનનું રાજ્ય કક્ષાનું લોન્ચિંગ ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
અભિયાનનો મુખ્ય ઉદ્દેશ HIVના સંક્રમણને ઘટાડવા સાથે HIV અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ (STIs) અંગે લોકોમાં જાગૃતિ વધારવાનો, સંબંધિત આરોગ્ય સેવાઓની માંગ વધારવાનો તથા HIV/AIDS અને STIs સાથે સંકળાયેલા કલંક અને ભેદભાવને દૂર કરવાનો છે.
પોરબંદર જિલ્લામાં અભિયાનના ભાગરૂપે 50 ગામોમાં HIV/AIDS અને જાતીય રોગો અંગે અવેરનેસ તથા જનજાગૃતિ કાર્યક્રમો, વન-ટુ-વન મીટિંગ્સ સહિતની પ્રવૃત્તિઓ યોજાશે. ઉપરાંત, માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં HIV અંગે અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સુધી સરળતાથી સંદેશ પહોંચે તે માટે પરંપરાગત માધ્યમ ફોક શો દ્વારા પણ જનજાગૃતિ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત નાગરિકોને HIVના જોખમો, સંક્રમણથી બચવાના અટકાયતી પગલાં અને સ્વસ્થ વર્તણૂક અંગે માહિતગાર કરવામાં આવશે.
સાથે જ HIV અને AIDS (Prevention and Control) Act, 2017 અંગે પણ લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે. HIVની રોકથામ અને સારવાર માટે ઉપલબ્ધ સરકારી મફત આરોગ્ય સેવાઓનો લાભ લેવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. જેમાં સ્વૈચ્છિક HIV ટેસ્ટિંગ તેમજ STIની તપાસ અને સારવાર જેવી સેવાઓનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે GMERS મેડિકલ કોલેજના ડીન ડૉ. સુશીલકુમાર સિંદે, એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. લીઝા ધામેલિયા, CDMO ડૉ. દિવ્યા દાગા, CDHO ડૉ. ડી.બી. મહેતા, RMO ડૉ. વિપુલ મોઢા, DTHO ડૉ. સીમા, ICTC ઇન્ચાર્જ ડૉ. વિપુલ, ART સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. દીપ્તિ, દિશા યુનિટના જયંતિ ચાસિયા, NACP સ્ટાફ, ગવર્નમેન્ટ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya