
ભાવનગર, 16 ઓગસ્ટ (હિ.સ.)અમેરિકાની વિશ્વપ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થીએટર, મેમોરિયલ હોલ ખાતે ૧૫ ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વના દિવસે મોરારીબાપુની ૯૮૨મી રામકથાનો મંગલ ગાન સાથે પ્રારંભ થયો. અમેરિકાની ધરતી પર મોરારીબાપુની આ ૪૦મી રામકથા છે. આ કથાનું આયોજન લોર્ડ ડોલર પોપટ અને પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.
તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં આ રામકથા ‘માનસ ગુરુ પ્રસાદ’ શીર્ષક હેઠળ યોજાઈ રહી છે. આ પ્રસંગે મોરારીબાપુ અમેરિકા ખાતે તુલસી જન્મોત્સવની ઉજવણી કરશે. શ્રાવણ સુદ સાતમના રોજ યોજાનારી તુલસી જયંતિ નિમિત્તે ભારતના વિવિધ પ્રદેશોના ૫૦ કથાકારો અને વિદ્વાનો પણ ઉપસ્થિત રહેશે.
મોરારીબાપુએ વર્ષ ૨૦૧૦થી તુલસી જન્મોત્સવની જાહેર ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે તુલસી જયંતિ નિમિત્તે રામકથાના ગાયકો, કથાવાચકો, રામચરિતમાનસના ચિંતનકારો તેમજ રામકથાના ક્ષેત્રમાં યોગદાન આપનાર સંસ્થાઓને તુલસી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વ્યાસ એવોર્ડ અને વાલ્મીકિ એવોર્ડનો પણ સમાવેશ થયો.
વર્ષ ૨૦૧૦થી ૨૦૨૪ સુધી ગુરુકુળ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે ગત વર્ષે તુલસીદાસજીના જન્મસ્થાન રાજાપુર ખાતે તેનું આયોજન થયું હતું. આ વર્ષે અમેરિકામાં તુલસી જન્મોત્સવ ઉજવાશે.
રામકથા સાથે સાંજની સભામાં વિદ્વાન વક્તાઓના વ્યાખ્યાનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારતના સ્વતંત્રતા દિવસે કથાનો પ્રારંભ થવો વિશેષ યોગાનુયોગ બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA