




ભારતની સતત પ્રગતિ, એકતા અને સમૃદ્ધિ માટે સવિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી
મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી વિશ્વશાંતિ અને માનવતાનો સંદેશ અપાયો
વિશ્વશાંતિ, એકતા અને દેશના વિકાસ કાજે ભાવનાત્મક શુભકામના પાઠવી
ભરૂચ 16 ઓગસ્ટ (હિ.સ.)
પવિત્ર ભૂમિ ભારતવર્ષના 80મા સ્વતંત્રતા દિવસના અવસરે સમગ્ર દેશમાં દેશભક્તિનો ઉમંગ છવાયો હતો, ત્યારે ભરૂચના ઝાડેશ્વર સ્થિત ભવ્ય અને દિવ્ય બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પણ આ રાષ્ટ્રીય પર્વ અદભુત ઉત્સાહ અને ગૌરવપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો.
પવિત્ર પ્રહરમાં, પ્રકૃતિના સ્નિગ્ધ વાતાવરણ વચ્ચે, આજરોજ મંદિરના વડીલ સંત યગ્નેશ્વરસ્વામીના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ વંદનનો મંગલ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ તિરંગાની સાક્ષીએ સમસ્ત ઉપસ્થિત જનમેદનીએ ગૌરવની અનુભૂતિ કરી હતી.
રાષ્ટ્રધ્વજને સલામી અને શહીદોને હ્રદયસ્પર્શી અંજલિ
સંતો તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા નિષ્ઠાવાન હરિભક્તો અને નગરજનોની ઉપસ્થિતિમાં આકાશને સ્પર્શતા તિરંગાને હર્ષોલ્લાસ સાથે સલામી અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે સૌના સ્વરમાં સ્વર મિલાવી રાષ્ટ્રગાન ગવાયું હતું, જેણે ઉપસ્થિત દરેક હ્રદયમાં દેશપ્રેમની દિવ્ય જ્યોત પ્રગટાવી હતી.
આ પર્વ નિમિત્તે ભારત માતાને સ્વતંત્ર કરાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અગણિત સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય બલિદાનોને અત્યંત કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા. તેમના શૌર્ય, ત્યાગ અને સમર્પણને નમન કરી સૌએ ભાવવંદના કરી હતી.
વિશ્વશાંતિ અને રાષ્ટ્રકલ્યાણ માટે વિશેષ પ્રાર્થના
આ પાવન પ્રસંગે સંતોએ દિવ્ય આશીર્વચન પાઠવતા ભાવના વ્યક્ત કરી હતી કે, આપણો દેશ ભારત સતત પ્રગતિના સોપાનો સર કરતો રહે અને વિકાસના પંથે અવિરત આગેકૂચ કરે. દેશવાસીઓમાં પરસ્પર પ્રેમ, એકતા, શાંતિ, સુખ અને સમૃદ્ધિની ત્રિવેણી સદાય વહેતી રહે.
માત્ર રાષ્ટ્ર જ નહીં, પરંતુ વિશ્વ વંદનિય સંત મહંતસ્વામી મહારાજની પ્રેરણા અને રુચિ મૂજબ સમગ્ર વિશ્વમાં શાંતિ, માનવતા અને સદ્ભાવનાના પ્રસારાર્થે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. સેવા, સદાચાર અને રાષ્ટ્રપ્રેમની ત્રિવેણી સમાન આ કાર્યક્રમે ઉપસ્થિત સૌ કોઈના અંતરમાં અદ્ભુત ઉમંગ, અખંડ એકતા અને ભાવનાત્મક ઉત્સાહનો દિવ્ય માહોલ સર્જ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ