
ગીર સોમનાથ, 16 ઓગસ્ટ (હિ.સ.) : શ્રાવણ માસના પવિત્ર અવસરે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. મંત્રીએ સપરિવાર 'સોમનાથ સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા' કરી મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૧ મે ૨૦૨૬ ના રોજ 'સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા'ની શરૂઆત કરાવવામાં આવી હતી.
આ પૂજા સનાતન સંસ્કૃતિના ભવ્ય વારસા અને રાષ્ટ્ર પ્રત્યેના સ્વાભિમાનની ભાવનાને જાગૃત કરવા માટેનો એક આધ્યાત્મિક સંકલ્પ બની રહી છે.
મંત્રીએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અખંડ દિપ સમક્ષ પૂજા કરીને શ્રી સોમનાથ મહાદેવને પંચામૃત, પવિત્ર ગંગાજળ સહિત દ્રવ્યો અર્પણ કરી ભગવાન ભોળાનાથનું અર્ચન કર્યું હતું.
મંત્રીએ પૂજા બાદ ઢોલ-શરણાઈના સૂરો વચ્ચે ધ્વજારોહણ કર્યું હતું. મંત્રીએ સોમનાથના દર્શનાર્થે પધારેલા દર્શનાર્થીઓ વચ્ચે જઈને 'હર હર મહાદેવ'નો નાદ લગાવ્યો હતો. મંદિરના પ્રાંગણમાં રહેલી સરદાર પટેલની પ્રતિમાને સ્મૃતિવંદન પણ મંત્રીએ કર્યા હતા.
દર્શન કર્યા બાદ મંત્રીએ ટ્રસ્ટની ગૌશાળાની મુલાકાત લઈ આસ્થા સાથે ગૌમાતાની પૂજાવિધિ કરી ગૌ સેવકોની કામગીરીને બિરદાવી હતી.
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ટ્રસ્ટ વતી મંત્રીને મંદિરમાં સોમનાથ મહાદેવની તસવીર તેમજ પ્રસાદ ભેટ અર્પણ કરી હતી. તેમજ સમગ્ર પ્રવાસ દરમિયાન તેમની સાથે રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ