જામનગરમાં હુમલા બાદ યુવકનું કારમાં અપહરણ : ચાર શખસો સામે ગુનો નોંધાયો
જામનગર, 16 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના ઢીચડા રોડ પર આવેલા એક મોટર્સ ગેરેજ પાસે 18 વર્ષીય યુવક પર ચાર શખ્સોએ છરી અને લોખંડના પાઇપથી હુમલો કરી ઇજાઓ પહોંચાડ્યા બાદ તેને બળજબરીપૂર્વક કારમાં અપહરણ કરી ગયાનો ગંભીર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે દોડતી થઈ છે
ફરિયાદ


જામનગર, 16 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના ઢીચડા રોડ પર આવેલા એક મોટર્સ ગેરેજ પાસે 18 વર્ષીય યુવક પર ચાર શખ્સોએ છરી અને લોખંડના પાઇપથી હુમલો કરી ઇજાઓ પહોંચાડ્યા બાદ તેને બળજબરીપૂર્વક કારમાં અપહરણ કરી ગયાનો ગંભીર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે દોડતી થઈ છે. બનાવ અંગે ખોડીયાર પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરમાં રહેતા ફરિયાદી જીતેન્દ્ર ઉર્ફે જીત મકવાણા એ આરોપી ભરત મેર, અનિલ મેર, ધવલ ગુટકા ઉર્ફે મહાજન અને મેદિયો વાઘેર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા અનુસાર ફરિયાદી પોતાના મિત્રની મોટરકારનું ઢીચડા રોડ પર આવેલા ભગવતી મોટર્સ ગેરેજ ખાતે રિપેરિંગ કરાવી રહ્યો હતો. દરમિયાન ભરત મેર, અનિલ મેર, ધવલ ગુટકા ઉર્ફે મહાજન અને મેદિયો વાઘેર સહિતના ચાર શખ્સો ત્યાં પહોંચ્યા હતા.

આશરે પાંચ દિવસ અગાઉ આરોપી ભરત મેર પોતાની કારમાં ટેપ મોટા અવાજે વગાડતો હતો. ત્યારે ફરિયાદીએ તેને અવાજ ધીમો રાખવા કહેતાં આરોપીએ ગાળો આપી હતી. ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતાં આરોપીએ તેનો ખાર રાખ્યો હતો. આ જૂના મનદુ:ખને લઈને આરોપીઓએ યુવકને નિશાન બનાવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આરોપી ભરત મેરે યુવકને છરી બતાવી રૂપિયા તેમજ અર્ટિગા કારની ચાવી બળજબરીપૂર્વક કઢાવી લીધી હતી. ત્યારબાદ તેના કાંડામાં છરીનો ઘા માર્યો હતો. જ્યારે ધવલ ગુટકા ઉર્ફે મહાજને લોખંડના પાઇપ વડે યુવકના ડાબા હાથ તેમજ બંને પગમાં માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

ચારેય શખ્સોએ ભેગા મળી યુવકને ઢીકાપાટુનો માર મારી જમીન પર પછાડી દીધો હતો. આટલેથી ન અટકતા આરોપીઓએ યુવકને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ચારેય શખ્સોએ યુવકને બળજબરીપૂર્વક પોતાની સ્વિફ્ટ કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર બનાવને પગલે ખોડીયાર પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande