
ભાવનગર,17 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભાલર ગામના બે યુવાનો બાઇક પર ભાવનગર જઈ રહ્યા હતા ત્યારે ત્રાપજ નજીક રિલાયન્સ પેટ્રોલપંપ પાસે માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં ભાલર ગામના 27 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ ભાલર ગામના સંજયસિંહ પરબતસિંહ ગોહિલ, ઉંમર 27 વર્ષ, ભાવનગર ખાતે આવેલી બિલકીટ કંપનીમાં ટેગ મારવાની નોકરી કરતા હતા. તેઓ પોતાના સાથી મિત્ર અને ભાલર ગામના જ ભગીરથસિંહ દિલુભા ગોહિલ સાથે બાઇક લઈને રાત્રિના સમયે ભાવનગર જવા માટે નીકળ્યા હતા.
દરમિયાન રાત્રે આશરે 8:30 વાગ્યાના સુમારે બંને ત્રાપજ નજીક રિલાયન્સ પેટ્રોલપંપ પાસે પહોંચ્યા હતા ત્યારે કોઈ કારણસર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સંજયસિંહ ગોહિલને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સહિતની મદદથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જોકે ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તળાજા ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્મત કયા સંજોગોમાં સર્જાયો અને તેમાં અન્ય કોઈ વાહન સંકળાયેલું હતું કે કેમ તે સહિતની વિગતો અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. યુવાનના અકાળે થયેલા અવસાનથી ભાલર ગામમાં પણ શોકની લાગણી પ્રસરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA