
અમરેલી,17 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના ચિતલ રેલવે સ્ટેશન ખાતે દેશની પ્રીમિયમ અને સેમી હાઈસ્પીડ ‘વંદે ભારત’ ટ્રેનના આગમનને લઈને ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા સહિત સાથી ધારાસભ્યઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં વંદે ભારત ટ્રેનનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોએ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વંદે ભારત ટ્રેનનું અમરેલી જિલ્લાના આંગણે આગમન વિસ્તારના વિકાસ અને આધુનિક કનેક્ટિવિટીના નવા અધ્યાયની શરૂઆત સમાન માનવામાં આવી રહ્યું છે.
વંદે ભારત જેવી આધુનિક અને ઝડપી રેલવે સેવા શરૂ થવાથી અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને મુસાફરીમાં વધુ સુવિધા અને સમયની બચતનો લાભ મળશે. વેપાર, શિક્ષણ, રોજગાર અને પ્રવાસન ક્ષેત્રે પણ નવી તકો ઊભી થવાની આશા છે.
અમરેલી જિલ્લાના રેલવે વિકાસ માટે આ પ્રસંગને ઐતિહાસિક ક્ષણ ગણાવી શકાય. વંદે ભારતનું આગમન સમગ્ર વિસ્તાર માટે ગૌરવની સાથે વિકાસની નવી આશાઓ લઈને આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai