
અમરેલી, 17 ઓગસ્ટ (હિ.સ.) : અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાળાની વાવ ગામ નજીક નેશનલ હાઈવે પર નીલગાયને કારચાલકે ટક્કર માર્યાની ઘટના સામે આવી છે. અકસ્માત બાદ કારચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, બાળાની વાવ ગામ નજીક નેશનલ હાઈવે પરથી નીલગાય પસાર થઈ રહી હતી. તે દરમિયાન પૂરઝડપે પસાર થઈ રહેલી એક કારની નીલગાય સાથે ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નીલગાયને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત બાદ કારચાલકે વાહન રોકવાને બદલે ઘટનાસ્થળેથી કાર હંકારી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને વાહનચાલકો ઘટનાસ્થળે એકઠા થયા હતા.
નેશનલ હાઈવે પર અવારનવાર વન્યપ્રાણીઓ રસ્તો ઓળંગતા હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે હાઈવે પર ઝડપ ઓછી રાખવી અને રસ્તા પર વન્યપ્રાણી દેખાય તો વાહન નિયંત્રણમાં રાખવું જરૂરી છે.
આ ઘટનામાં નીલગાયની હાલત અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. તેમજ અકસ્માત સર્જી ફરાર થયેલા કારચાલકની ઓળખ અને વાહન અંગેની વિગતો મેળવવા માટે તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai