
પાટણ, 17 ઓગસ્ટ (હિ.સ.)શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં હતાં. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોએ મંદિરોમાં પહોંચી ભગવાન ભોળાનાથના દર્શન કરી જળાભિષેક, પૂજા અને અર્ચના કરી હતી.
પવિત્ર પ્રથમ સોમવારે અર્ધનારેશ્વર મહાદેવ મંદિરથી પ્રથમ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી કાવડયાત્રા નિર્ધારિત માર્ગો પરથી પસાર થઈ પાટણના દામજીરાવ બાગ ખાતે આવેલા છત્રપતેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી.
પાટણના એકમાત્ર સંપૂર્ણ શિવપરિવાર ધરાવતા છત્રપતેશ્વર મહાદેવ મંદિરે કાવડયાત્રાનું આગમન થતાં ભક્તોએ ભગવાન શિવનું વિધિવત પૂજન-અર્ચન કર્યું હતું. શ્રાવણ માસના પ્રારંભથી જ સમગ્ર પાટણ જિલ્લાનું વાતાવરણ ભક્તિમય બન્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ