સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે “શ્રાવણે શિવસપર્યા” દ્વિ-દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનો ભવ્ય પ્રારંભ
ગીર સોમનાથ, 17 ઓગસ્ટ (હિ.સ.) : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના શિવતત્ત્વ અનુસંધાન પીઠ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત “શ્રાવણે શિવસપર્યા” વિષય પર તા. 17 અને 18 ઓગસ્ટ, 2026 દરમિયાન આયોજિત દ્વિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનો ઉદ્ઘાટન સમારોહ તા.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે


ગીર સોમનાથ, 17 ઓગસ્ટ (હિ.સ.) : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના શિવતત્ત્વ અનુસંધાન પીઠ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત “શ્રાવણે શિવસપર્યા” વિષય પર તા. 17 અને 18 ઓગસ્ટ, 2026 દરમિયાન આયોજિત દ્વિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનો ઉદ્ઘાટન સમારોહ તા. 17 ઓગસ્ટ, 2026ના રોજ યુનિવર્સિટીના “પ્રભાસ જ્યોતિ” શૈક્ષણિક ભવનના રૂમ નં. 16માં યોજાઇ ગયો.

શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના, ઉપાસના અને ભક્તિ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પવિત્ર અવસરને અનુરૂપ આયોજિત આ રાષ્ટ્રીય સંગોષ્ઠીનો મુખ્ય ઉદ્દેશ શિવતત્ત્વ, શિવભક્તિ, શૈવ પરંપરા, સંસ્કૃત વાઙ્મય તથા ભારતીય જ્ઞાનપરંપરામાં શિવના વિવિધ સ્વરૂપોનું શાસ્ત્રીય, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સંશોધનાત્મક અધ્યયન કરવાનો છે. આ પ્રસંગે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના 20 વર્ષની ઊજવણી નિમિત્તે યોજાયેલ દ્વિ-દશાબ્દી કાર્યક્રમ અષ્ટક પ્રતિવેદન (Report) ”विश्वविद्यालयवैभवम्”નું વિમોચન કરવામાં આવ્યું.

ઉદ્ઘાટન સમારોહની અધ્યક્ષતા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાન્તકુમાર સેનાપતિ કરતાં કહ્યું કે ”विश्वविद्यालयवैभवम्” નામથી વિમોચન થયેલ કાર્યક્રમાષ્ટક પ્રતિવેદન અત્યંત ગંભીર અને ગૂઢ છે. સ્વાધ્યાય, પ્રશિક્ષણ, સંશોધન અને પ્રકાશનમાં પ્રતિવર્ષ ઉત્કર્ષ છાત્રકેન્દ્રિત રહ્યો છે. સોમનાથ મહાદેવની અસીમ કૃપાથી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટ સતત પ્રગતિ કરે તેમ પ્રાર્થના કરી.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી, ભુજના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રો. કશ્યપ ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં. તેમણે કહ્યું કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના દિવસથી આ યુનિવર્સિટીના દરેક કાર્યમાં જોડાવાની તક એટલે મારી શ્રાવણ માસની શિવસપર્યા.

વિશિષ્ટ અતિથિ તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરિયાએ ઉપસ્થિત રહી ઉદ્ઘાટન પ્રસંગે પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું કે મહાદેવ શિવ પાસેથી ઘણી બાબતો શિખવા મળે છે. સંસ્કૃત ભાષાના જ્ઞાન થકી સમાજ ઉપયોગી સાહિત્ય નિર્માણ કરવા હાંકલ કરી અને સુંદર આયોજન બદલ યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યાં. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વચ્ચે થયેલ MoU વધુ સુદ્રઢ બનાવવા એક સેમિનાર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મુકામે કરવાં ઘોષણા કરી.

આ સમારોહમાં વિશિષ્ટ અતિથિ તરીકે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં. ઉદ્ઘાટન પ્રસંગે પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું કે વર્તમાન કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિના અત્રે આગમન પછી યુનિવર્સિટીમાં પ્રતિ વર્ષ પ્રવેશ-સંખ્યામાં વધારો થયો. સંસ્કૃતના અભ્યાસ વિના ભારતીય જ્ઞાન અધૂરું છે. સ્વીકૃતિનો બોધપાઠ સંસ્કૃતિ સાહિત્યના અભ્યાસ થકી પ્રાપ્ત થાય છે.

સારસ્વત અતિથિ તરીકે સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી, પુણેના સંસ્કૃત અને પ્રાકૃત ભાષા વિભાગના પ્રો. દિનેશ રસાળ ઉપસ્થિત રહ્યાં. તેમણે કહ્યું કે શ્રાવણે શિવસપર્યા વિષય અત્યન્ત અન્ત:કરણીય અને પ્રિય છે. શ્રાવણ માસ અને શિવસપર્યા વિશે કહેવાય છે કે બારમાસ પૈકી સ્વયં શિવ ભગવાનનો પ્રિય શ્રાવણ માસ છે. આ સંપૂર્ણ માસ/મહિનો ધર્મ અને અનુષ્ઠાનનો છે. शिवो भूत्वा शिवं यजेत् અનુસાર પ્રત્યેક જીવ સ્વયં શિવ બનીને આરાધના કરે તેમ શાસ્ત્રનું વચન છે. જીવથી શિવની યાત્રા એટલે શ્રાવણ માસમાં શિવસપર્યા.

આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરા નિમંત્રક તરીકે ઉપસ્થિત રહી મંચસ્થ સૌનો પરિચય કરાવીને આ સેમિનારની પ્રસ્તાવના પ્રસ્તુત કરી. પ્રિ. નરેન્દ્રકુમાર પંડ્યા માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહ્યા. પ્રભારી શોધનિયામક ડૉ. ડી.એમ. મોકરીયા અને આ સેમિનારના આયોજક તરીકે ઉપસ્થિત રહ્યા અને અંતે તેમણે સૌનો આભાર વ્યક્ત કર્યોં.

સંગોષ્ઠીના સંયોજક ડૉ. મંગલવર્ધનદાસ સાધુએ ઉદ્ઘાટન સમારોહમાં સફળતાપૂર્વક મંચ સંચાલન કર્યું. યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ, અધ્યાપકો, શોધાર્થીઓ, વિવિધ ક્ષેત્રોના વિદ્વાનો તથા સહ-સંયોજક શ્રી ભાવિનકુમાર કે. પંડ્યા સહિત ૨૫૦ જેટલાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં. તે પૈકી ૧૪૫ જેટલા રજિસ્ટ્રેશન નોંધાયા.

આ સંગોષ્ઠીમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી સંસ્કૃત, દર્શન, ધર્મશાસ્ત્ર, ઇતિહાસ, કલા, સ્થાપત્ય અને ભારતીય જ્ઞાનપરંપરાના વિદ્વાનો તથા સંશોધકો ભાગ લેશે અને પોતાના સંશોધનપત્રો રજૂ કરશે.

સંગોષ્ઠીમાં શિવસ્તોત્ર સાહિત્યમાં શિવસ્વરૂપ અને શિવભક્તિ, સંસ્કૃત વાઙ્મય તથા સ્તોત્ર સાહિત્યમાં શિવતત્ત્વ, શ્રાવણમાં શિવ આરાધના, વેદો તથા શૈવ આગમમાં શિવતત્ત્વ, શૈવ સાહિત્ય અને યોગ, શૈવ સાહિત્યમાં વિજ્ઞાન, ગુજરાતના લોકજીવન અને સ્થાપત્યકલામાં શિવ આરાધના, ભારતીય જ્ઞાનપરંપરામાં શિવ સાહિત્યનું યોગદાન તથા પ્રભાસક્ષેત્ર અને શિવ આરાધના જેવા વિવિધ વિષયો પર ગહન ચર્ચા અને વિચારવિમર્શ કરવામાં આવશે.

આ ઉપરાંત ચોસઠ કલાઓમાં શિવતત્ત્વ, પ્રાચીન શસ્ત્રવિદ્યાઓમાં શિવતત્ત્વ, સોમનાથ મંદિરની શહીદગાથા અને ઐતિહાસિક દસ્તાવેજોના સંદર્ભમાં સોમનાથની ભવ્યતા તથા દ્વાદશ જ્યોતિર્લિંગ કથામાં ભક્તિસ્વરૂપ જેવા વિષયો પણ સંગોષ્ઠીના સંશોધન અને વિચારવિમર્શના કેન્દ્રમાં રહેશે.

ભગવાન સોમનાથ પ્રત્યેની શ્રદ્ધા અને શ્રાવણ માસની પવિત્રતાને ધ્યાનમાં રાખીને આ રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં ભાગ લેવા માટે કોઈ નોંધણી શુલ્ક લેવામાં આવતું નથી. મુખ્ય વિષય સાથે સંબંધિત અન્ય સંશોધનાત્મક વિષયો પર પણ સંશોધનપત્રો રજૂ કરવામાં આવશે.

આ દ્વિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી દ્વારા સોમનાથની પવિત્ર ભૂમિ પર શિવતત્ત્વના શાસ્ત્રીય, ઐતિહાસિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પરિમાણોનું વિશદ મંથન થશે. સાથે સાથે શૈવ પરંપરા તથા ભારતીય જ્ઞાનપરંપરાના સંશોધનને નવી દિશા અને નવી દૃષ્ટિ પ્રાપ્ત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande