
ભાવનગર,17 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના જેસર ગામની ‘મોડેલ સોલાર વિલેજ’ તરીકે પસંદગી થતાં ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ અંતર્ગત કુલ ત્રણ ગામોની પસંદગી કરવામાં આવી છે, જેમાં જેસરનો ત્રીજા ક્રમે સમાવેશ થયો છે. સોલાર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાની દિશામાં આ પસંદગી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
જેસર ગામમાં છેલ્લા કેટલાક સમયથી લોકો સોલાર ઊર્જા તરફ આકર્ષાઈ રહ્યા છે. ખાસ કરીને કેન્દ્ર સરકારની ‘પી.એમ. સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ અંતર્ગત અનેક પરિવારો દ્વારા પોતાના ઘરની છત પર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવી છે. હાલ ગામના 60 ટકાથી વધુ ઘરોમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવી હોવાનું જણાવાયું છે. સોલાર ફિટિંગ બાદ અનેક પરિવારોના વીજળીના બિલમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે કેટલાક પરિવારોના બિલ શૂન્ય થયા છે.
જેસરના સરપંચ વીરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, હર ઘર સૂર્ય ઘર યોજના આવ્યા બાદ ગામમાં સોલાર લગાવવાની કામગીરીને વેગ મળ્યો છે. ભાવનગર જિલ્લાના આશરે 700 ગામોમાંથી સ્માર્ટ સોલાર વિલેજ માટે જેસરની ત્રીજા ક્રમે પસંદગી થવી ગૌરવની બાબત છે. આગામી સમયમાં જેસર પ્રથમ ક્રમે આવે તે માટે પ્રયાસો કરવામાં આવશે.
જેસરના રહેવાસી કલ્પેશભાઈ પરમારે જણાવ્યું કે, અગાઉ તેમને દર મહિને રૂ.3,000થી રૂ.5,000 સુધીનું વીજળી બિલ આવતું હતું, પરંતુ સોલાર લગાવ્યા બાદ તેમનું બિલ શૂન્ય થયું છે. વધારાના વીજ યુનિટનું વળતર પણ મળે છે. ગામને 100 ટકા સોલારથી જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA