મનાલી ટાવરમાં તીન પત્તીનો ખેલ બેફામ! ગાંધીધામ પોલીસે, 11 જુગારીઓને ઝડપી પાડ્યા
કચ્છ, 17 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સેક્ટર-8 સ્થિત મનાલી ટાવરની એક ઓફિસમાં તીન પત્તીનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 11 શખ્સોને ઝડપી
ગાંધીધામ જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 17 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સેક્ટર-8 સ્થિત મનાલી ટાવરની એક ઓફિસમાં તીન પત્તીનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 11 શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને ગંજીપાનાં મળી કુલ ₹1,67,300નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પૂર્વ કચ્છ જિલ્લામાં જુગાર અને પ્રોહિબિશન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા પણ આવી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી.

આ દરમિયાન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતો. તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગાંધીધામ સેક્ટર-8માં આવેલા મનાલી ટાવર બિલ્ડિંગની ઓફિસ નંબર 111માં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન ઓફિસમાં 11 વ્યક્તિઓ ગંજીપાનાથી તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમતા મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી પ્રહલાદભાઈ વનાભાઈ પ્રજાપતિ, રમેશભાઈ ભાવસંગભાઈ ઠાકોર, પ્રકાશભાઈ રામજીભાઈ ચારણ, લાલજીભાઈ ભલાભાઈ ભરવાડ, રાહુલભાઈ અશોકભાઈ પવૈયા, નિતીનભાઈ ખીમજીભાઈ પરમાર, અનિલગીરી ગુડુગીરી ગોસ્વામી, મહિપતસિંહ વિરૂભા વાઘેલા, હાર્દિકભાઈ વિજયભાઈ ગઢવી, અનિરૂધ્ધસિંહ પ્રતાપસિંહ જાડેજા અને જયદિપસિંહ વિજયસિંહ ઝાલાને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓ પાસેથી પોલીસે ₹72,300 રોકડા, અંદાજિત ₹95,000ની કિંમતના 10 મોબાઇલ ફોન તથા ગંજીપાનાં 52 નંગ કબજે કર્યા હતા. આમ, સમગ્ર કાર્યવાહીમાં કુલ ₹1,67,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે તમામ 11 આરોપીઓ સામે જુગાર ધારા કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એલ.એન. વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.ગાંધીધામ શહેરમાં જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે હાથ ધરેલી આ કાર્યવાહીથી જુગારના અડ્ડા ચલાવતા અને તેમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande