
કચ્છ, 17 ઓગસ્ટ (હિ.સ.) : માંડવી તાલુકાના કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતીના આધારે પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી. LCBની ટીમે બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડતાં વિસ્તારમાં ચકચાર મચી હતી.
પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કુલ રૂ.15,100 રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા ગંજીપાનાના 52 નંગ તથા પાંચ મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે કબજે કરેલા મોબાઇલ ફોનની કુલ કિંમત રૂ.21,000 હોવાનું જાણવા મળ્યું છે. આમ, રોકડ અને મોબાઇલ સહિત કુલ રૂ.36,100નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહીમાં કાનજી વિરજી વિંઝોડા, રહે. આંબેડકરવાસ, બિદડા, તા. માંડવી, મનોજ કરશન મહેશ્વરી, રહે. તલવાણા, તા. માંડવી, સરફરાઝ રમજુ હાલા, રહે. બિદડા, તા. માંડવી, રાણા કરશન જોગી, રહે. તલવાણા, તા. માંડવી, રસિદ ઇબ્રાહીમ રાયમા, રહે. તલવાણા, તા. માંડવી તથા જયંતી બાવલાભાઈ મહેશ્વરી, રહે. તલવાણા, તા. માંડવીના નામ સામે આવ્યા છે.
જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કચ્છ પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા જુગારના અડ્ડાઓ અને જાહેર શાંતિને અસર કરતી પ્રવૃત્તિઓ પર પોલીસની નજર વધુ કડક બની છે. કોડાય વિસ્તારમાં થયેલી આ કાર્યવાહી પણ ગેરકાયદેસર રીતે જુગાર રમતા તત્વો સામે પોલીસની સક્રિયતાનું ઉદાહરણ બની છે.
આ સમગ્ર કામગીરી ASI દેવજીભાઈ મહેશ્વરી, સુરજભાઈ વેગડા તેમજ હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ દેસાઈ, મૂળરાજભાઈ ગઢવી અને રાજેશભાઈ ગઢવી સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar