
ભાવનગર, 17 ઓગસ્ટ (હિ.સ.)રેવા ગામની સરકારી માધ્યમિક શાળામાં શ્રાવણ માસના પવિત્ર સોમવાર નિમિત્તે લઘુરુદ્રીનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનું સુંદર જતન કર્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાની કલા, શ્રદ્ધા અને સર્જનાત્મકતા મુજબ ઘરે માટીમાંથી પાર્થિવ શિવલિંગ તૈયાર કર્યા હતા. વિદ્યાર્થીઓ આ શિવલિંગ તથા જરૂરી પૂજા સામગ્રી સાથે શાળાએ પહોંચ્યા હતા. ત્યારબાદ શાળા પરિસરમાં શ્રદ્ધાપૂર્વક શિવલિંગની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સ્વસ્તિક તથા ૐકારના આકારમાં બેસીને ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાનું અનોખું પ્રદર્શન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન શાળાના શિક્ષક શ્રી જયપાલસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે લઘુરુદ્રીની શાસ્ત્રોક્ત વિધિ શ્રી દીપકભાઈ પાઠક દ્વારા કરાવવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર, શિવભક્તિના ભજનો અને ધાર્મિક માહોલથી સમગ્ર શાળા પરિસર ભક્તિમય બની ગયું હતું.
આ આયોજન માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતું સીમિત ન રહેતાં વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા, ધાર્મિક સંસ્કાર, એકતા અને સર્જનાત્મકતાના ગુણો વિકસે તેવો સુંદર પ્રયાસ સાબિત થયો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લઘુરુદ્રીમાં સહભાગી બની ભગવાન શિવની આરાધના કરી હતી અને સમગ્ર કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.
શાળામાં યોજાયેલા આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોમાં પણ આનંદ અને ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA