
- વિશ્વનાથ સહિતના શિવાલયમાં જળાભિષેક માટે ભક્તોની લાંબી લાઈનો.
અમદાવાદ, 17 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ માસના પ્રથમ સોમવારે સહિત સમગ્ર રાજ્યમાં શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં હતાં. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોએ મંદિરોમાં પહોંચી ભગવાન ભોળાનાથના દર્શન કરી જળાભિષેક, પૂજા અને અર્ચના કરી હતી.
અમદાવાદમાં પણ પ્રથમ સોમવારે વહેલી સવારથી જ શહેરના વિવિધ શિવ મંદિરોમાં ભગવાન ભોળાનાથના દર્શન અને આશીર્વાદ મેળવવા શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે'ના નાદથી શહેરના તમામ શિવાલયો ગુંજી ઊઠ્યા હતા.
શ્રાવણના પ્રથમ સોમવારે અમદાવાદના પૌરાણિક વિશ્વનાથ મહાદેવ મંદિર, કર્ણમુક્તેશ્વર મહાદેવ,સમર્થેશ્વર મહાદેવ સહિતના તમામ શિવ મંદિરોને આકર્ષક રોશની અને પુષ્પોથી શણગારવામાં આવ્યા છે. શિવાલયોમાં વહેલી સવારથી જ વિશેષ પૂજા, મહાઆરતી અને અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિરોમાં દર્શનાર્થે પહોંચેલા ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક અને દુગ્ધાભિષેક કર્યો હતો. શ્રદ્ધાળુઓએ બિલિપત્ર, ધતુરો અને પુષ્પો અર્પણ કરી ભગવાન શિવની વિધિવત પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો વ્રત-ઉપવાસ અને આરાધના કરશે, જેને લઈ આગામી દિવસોમાં પણ મંદિરોમાં ધાર્મિક આયોજનો હાથ ધરાયા છે.
ગુજરાતનાં સુપ્રસિદ્ધ સોમનાથમાં શિવભક્તો વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ સોમનાથના શરણે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ સોમનાથ મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું અને સમગ્ર પરિસર હર હર મહાદેવ તથા જય સોમનાથ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ