
મહેસાણા, 17 ઓગસ્ટ (હિ.સ.)
સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે ચાલી રહેલા ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહેસાણાના નાગલપુર સ્થિત નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પવિત્ર કળશ યાત્રાનું ભવ્ય આગમન થયું હતું. આ પ્રસંગે સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કળશ યાત્રાના આગમન પ્રસંગે મહેસાણા જિલ્લાના પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર, જિલ્લા અધ્યક્ષ શ્રી ગીરીશભાઈ રાજગોર, જિલ્લા મહામંત્રી શ્રી ભગાજી ઠાકોર, શ્રી કમલભાઈ પટેલ, શ્રી શુભમભાઈ શાહ સહિત સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પવિત્ર કળશ યાત્રાનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંત રવિદાસ મહારાજની જન્મજયંતીને અનુલક્ષીને આયોજિત આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ભાઈચારો, સમાનતા અને સામાજિક એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે. કળશ યાત્રા દરમિયાન ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
નીલકંઠ મહાદેવ મંદિર ખાતે યાત્રાના આગમનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ સંત રવિદાસ મહારાજના વિચારોને યાદ કરી સમાજમાં સૌને સાથે લઈને આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાતી વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી સામાજિક સમરસતા, એકતા અને સૌહાર્દનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. મહેસાણામાં યોજાયેલ કળશ યાત્રાનું આગમન પણ આ અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ બન્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR