જમીન ગીરવી મૂકી શરૂ કરેલી અન્નસેવા આજે 20 વર્ષથી અવિરત: કંથરાવીના અન્નક્ષેત્રમાંથી જરૂરિયાતમંદો સુધી પહોંચે છે ભોજન
મહેસાણ, 17 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણાના ઊંઝા તાલુકાના કંથરાવી ગામમાં માનવસેવા અને જીવદયાની અનોખી પરંપરા છેલ્લા 20 વર્ષથી અવિરત ચાલી રહી છે. અન્ન ક્ષેત્ર અને જીવ કલ્યાણ કંથરાવી ટ્રસ્ટ દ્વારા ગરીબ, નિરાધાર અને જરૂરિયાતમંદ લોકો માટે દરરોજ નિશુલ્ક ભોજન તૈય
જમીન ગીરવી મૂકી શરૂ કરેલી અન્નસેવા આજે 20 વર્ષથી અવિરત: કંથરાવીના અન્નક્ષેત્રમાંથી જરૂરિયાતમંદો સુધી પહોંચે છે ભોજન


જમીન ગીરવી મૂકી શરૂ કરેલી અન્નસેવા આજે 20 વર્ષથી અવિરત: કંથરાવીના અન્નક્ષેત્રમાંથી જરૂરિયાતમંદો સુધી પહોંચે છે ભોજન


મહેસાણ, 17 ઓગસ્ટ (હિ.સ.)

મહેસાણાના ઊંઝા તાલુકાના કંથરાવી ગામમાં માનવસેવા અને જીવદયાની અનોખી પરંપરા છેલ્લા 20 વર્ષથી અવિરત ચાલી રહી છે. અન્ન ક્ષેત્ર અને જીવ કલ્યાણ કંથરાવી ટ્રસ્ટ દ્વારા ગરીબ, નિરાધાર અને જરૂરિયાતમંદ લોકો માટે દરરોજ નિશુલ્ક ભોજન તૈયાર કરી આસપાસના 20થી 22 ગામોમાં ટિફિન પહોંચાડવામાં આવે છે. આ સેવાકાર્યની શરૂઆત સંસ્થાના સ્થાપક નરસિંહભાઈ પ્રહલાદભાઈ પટેલે પોતાની જમીન ગીરવી મૂકીને કરી હતી.

સંસ્થામાં સેવા આપતા મહેતા મહેશકુમાર જણાવે છે કે નરસિંહભાઈને ગરીબ અને નિરાધાર લોકો માટે કંઈક કરવાની ભાવના હતી. તેમણે પોતાની જમીન ગીરવી મૂકી ધર્મશાળામાં રસોડાની વ્યવસ્થા ઊભી કરી અને જરૂરિયાતમંદો માટે ટિફિન પહોંચાડવાનું શરૂ કર્યું હતું.

શરૂઆતમાં રોજના આશરે 250 ટિફિન પહોંચાડવામાં આવતા હતા, જ્યારે હાલમાં દરરોજ આશરે 100 ટિફિન વિવિધ ગામોમાં પહોંચાડવામાં આવે છે. પળી, મણુદ, પલાસર, સેલાવી, ગોરાદ, વીરતા, મોટપ, ભાંડુ, દવાડા, ખડદા, નવાપુરા અને બોકરવાડા સહિતના ગામોમાં સેવા પહોંચે છે.

ટ્રસ્ટ દ્વારા બે વાહનો મારફતે ટિફિન પહોંચાડવામાં આવે છે. દરરોજ સવારે 10 વાગ્યા સુધીમાં ભોજન તૈયાર કરવામાં આવે છે. મહિલાઓ શાકભાજી સમારવાથી લઈને રસોઈ અને ટિફિન તૈયાર કરવાની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. દરરોજ આશરે 700 રોટલી તૈયાર થાય છે અને ટિફિનમાં રોટલી, શાક, દાળ, ભાત અને લાડુ આપવામાં આવે છે.

ટ્રસ્ટને દર વર્ષે ગામ લોકો અને દાતાઓ તરફથી 300થી 400 મણ જેટલા ઘઉંનું દાન મળે છે. અમદાવાદના એક દાતા દર મહિને રૂ. 50,000ની મદદ કરે છે. અન્નસેવા ઉપરાંત ગાય અને શ્વાન સહિત અબોલ જીવોની સેવા પણ કરવામાં આવે છે. એક વ્યક્તિએ જમીન ગીરવી મૂકી શરૂ કરેલો સેવાયજ્ઞ આજે દાતાઓ અને સેવાભાવીઓના સહયોગથી અવિરત આગળ વધી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande