
મહેસાણા, 17 ઓગસ્ટ (હિ.સ.)
મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના વન તથા પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે મહેસાણાના મોઢેરા ચોકડી સ્થિત વિશ્વકર્મા હોલ ખાતે ‘રાખી મેળા’નું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મેળાનો મુખ્ય હેતુ મહિલા કારીગરોને આત્મનિર્ભર બનાવી તેમના હસ્તકલા કૌશલ્યને બજાર પૂરું પાડવાનો છે.
ઉદ્ઘાટન પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ મેળામાં કાર્યરત વિવિધ સ્ટોલની મુલાકાત લઈ મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓ, હસ્તકલાની કૃતિઓ અને અન્ય ચીજવસ્તુઓની માહિતી મેળવી હતી. આ પ્રસંગે મહેસાણા મહાનગરપાલિકાના મેયર સોનલબેન ઓઝા, જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
‘સ્નેહની રાખડી - સ્વાવલંબનની દોરી’ના સૂત્ર સાથે યોજાયેલા મેળામાં મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકલાની વસ્તુઓ, રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ અને ઘર સુશોભનની કલાકૃતિઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે. સીધું બજાર મળવાથી મહિલા કારીગરોને પોતાની બનાવટના ઉત્પાદનોનું વેચાણ કરવાની તક મળી રહી છે.
મોઢેરા ચોકડી પાસે આવેલા વિશ્વકર્મા હોલ ખાતે યોજાયેલો આ મેળો 23 ઓગસ્ટ સુધી સવારે 11થી રાત્રે 10 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. નાગરિકોને મેળાની મુલાકાત લઈ સ્વદેશી રાખડીઓ અને હસ્તકલા ઉત્પાદનોની ખરીદી કરી મહિલા કારીગરોને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR