અરવલ્લીની મિસરી સખી મંડળની અનોખી પહેલ: હર્બલ સાબુથી મહિલાઓએ ઉભી કરી આત્મનિર્ભરતાની ઓળખ
મહેસાણા, 17 ઓગસ્ટ (હિ.સ.) અરવલ્લીના બાયડ તાલુકાના ચોથડા ગામની 10 મહિલાઓએ પરંપરાગત ગૃહકાર્યથી આગળ વધીને કુદરતી વસ્તુઓમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવી આત્મનિર્ભરતાની દિશામાં આગવું પગલું ભર્યું છે. વર્ષ 2016માં શરૂ થયેલું મિસરી સખી મંડળ આજે આ મહિલાઓ માટે ર
અરવલ્લીની મિસરી સખી મંડળની અનોખી પહેલ: હર્બલ સાબુથી મહિલાઓએ ઉભી કરી આત્મનિર્ભરતાની ઓળખ


મહેસાણા, 17 ઓગસ્ટ (હિ.સ.)

અરવલ્લીના બાયડ તાલુકાના ચોથડા ગામની 10 મહિલાઓએ પરંપરાગત ગૃહકાર્યથી આગળ વધીને કુદરતી વસ્તુઓમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવી આત્મનિર્ભરતાની દિશામાં આગવું પગલું ભર્યું છે. વર્ષ 2016માં શરૂ થયેલું મિસરી સખી મંડળ આજે આ મહિલાઓ માટે રોજગારી અને આવકનું માધ્યમ બન્યું છે. મહિલાઓ હર્બલ અને હાથથી બનાવેલા સાબુ સહિત વિવિધ કુદરતી પ્રોડક્ટ તૈયાર કરી તેનું વેચાણ કરી વાર્ષિક આશરે 70થી 80 હજાર રૂપિયાની આવક મેળવી રહી છે.

મિસરી સખી મંડળની શરૂઆત કેમિકલયુક્ત સાબુના ઉપયોગથી થતી ત્વચાની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. શરૂઆતમાં માત્ર કેસુડાના ફૂલમાંથી સાબુ બનાવાતો હતો, પરંતુ બાદમાં લીમડો, એલોવેરા, મુલતાની માટી, તુલસી, હળદર, મધ, ગુલાબની પાંખડીઓ અને અપરાજિતા જેવા કુદરતી ઘટકોમાંથી વિવિધ પ્રકારના હર્બલ સાબુ તૈયાર કરવામાં આવ્યા.

સાબુ ઉપરાંત મહિલાઓ હર્બલ શેમ્પૂ, હેર ઓઇલ, આમળાની કેન્ડી તથા વિવિધ પાવડર પણ બનાવે છે. શિયાળામાં તલ, ગોળ અને ડ્રાયફ્રૂટમાંથી કચરિયું, મગફળીની ચીકી અને તલની ચીકી પણ તૈયાર કરવામાં આવે છે.

પ્રોડક્ટના વેચાણ માટે મહિલાઓ સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરી રહી છે. પ્રોડક્ટના ફોટા અને માહિતી સોશિયલ મીડિયા પર મૂક્યા બાદ ગ્રાહકો સીધા ઓર્ડર આપે છે. આમ, ગામની મહિલાઓ હવે ડિજિટલ માધ્યમથી પોતાના કુદરતી ઉત્પાદનોને વિશાળ બજાર સુધી પહોંચાડી રહી છે. ઘર-પરિવારની જવાબદારી સાથે ઉત્પાદન, પેકિંગ અને વેચાણમાં જોડાયેલી આ મહિલાઓ પોતાની મહેનતથી આર્થિક આત્મનિર્ભરતા મેળવી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande