મનોદિવ્યાંગ તાલીમાર્થીઓની કલાત્મક રાખડીઓનું બોટાદમાં વેચાણ શરૂ
બોટાદ, 17 ઓગસ્ટ (હિ.સ.)રક્ષાબંધનના પવિત્ર પર્વને ધ્યાનમાં રાખીને બોટાદના યોગીનગર, પાળીયાદ રોડ ખાતે આવેલ આસ્થા સ્નેહનું ઘર ખાતે મનોદિવ્યાંગ તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી સુંદર અને રંગબેરંગી રાખડીઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. બાળકો દ્વાર
રાખડી તૈયાર કરતા દિવ્યાંગ બાળકો


બોટાદ, 17 ઓગસ્ટ (હિ.સ.)રક્ષાબંધનના પવિત્ર પર્વને ધ્યાનમાં રાખીને બોટાદના યોગીનગર, પાળીયાદ રોડ ખાતે આવેલ આસ્થા સ્નેહનું ઘર ખાતે મનોદિવ્યાંગ તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી સુંદર અને રંગબેરંગી રાખડીઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. બાળકો દ્વારા પોતાની સર્જનાત્મકતા અને નાવીન્યસભર વિચારો સાથે વિવિધ ડિઝાઇનની આકર્ષક રાખડીઓ તૈયાર કરવામાં આવી છે.

આ રાખડીઓ માત્ર રક્ષાબંધનની ઉજવણી પૂરતી મર્યાદિત નથી, પરંતુ બાળકોની પ્રતિભા, મહેનત અને આત્મનિર્ભરતાનું પ્રતીક બની રહી છે. આસ્થા સ્નેહનું ઘર ખાતે મનોદિવ્યાંગ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ, જીવન જરૂરી કૌશલ્ય અને વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે. હાલ બોટાદ શહેર તેમજ આસપાસના ગામોમાંથી આશરે 45 બાળકો અહીં તાલીમ માટે આવે છે.

રક્ષાબંધન નિમિત્તે તૈયાર કરાયેલી રાખડીઓનું વેચાણ હાલ કેન્દ્ર ખાતે શરૂ થયું છે. આગામી દિવસોમાં બોટાદ શહેર તેમજ આસપાસની શૈક્ષણિક સંસ્થાઓ અને સોસાયટીઓમાં પણ વેચાણ સ્ટોલ મૂકવામાં આવશે. સંસ્થા દ્વારા શૈક્ષણિક સંસ્થા, સોસાયટી કે અન્ય સંસ્થાઓને પોતાના વિસ્તારમાં રાખડી વેચાણ કેન્દ્ર શરૂ કરવા અપીલ કરવામાં આવી છે.

આ વર્ષે રાખડીઓ ઓનલાઈન ઓર્ડરથી પણ મેળવી શકાશે. ખરીદી માટે સંસ્થાના હેલ્પલાઈન નંબર 7600099098 પર સંપર્ક કરી શકાય છે. લોકો રાખડીઓ ખરીદી બાળકોને પ્રોત્સાહન આપે તેવી સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે.

સંસ્થા દ્વારા બાળકોને શિક્ષણ, સ્ટેશનરી, યુનિફોર્મ, બપોરનું ભોજન અને વાહન સહિતની સુવિધાઓ દાતાઓના સહયોગથી આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ સેવાઓ માટે બાળકો પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી તેમજ સંસ્થા સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ લેતી નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande