ગુજરાત સાયન્સ સિટી ખાતે 21 થી 23 ઓગસ્ટ દરમિયાન ત્રિ-દિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-2026’નું ભવ્ય આયોજન
- યુવા પેઢીમાં STEM પ્રત્યે રસ, જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના ઉદ્દેશ્ય સાથે સ્પેસ સાયન્સ એક્ઝિબિશન, વર્કશોપ, પ્લેનેટેરિયમ શો, સ્પેસ ક્વિઝ અને નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશનનું આયોજન ગાંધીનગર, 17 ઓગસ્ટ (હિ.સ.) 23 ઓગસ્ટ, 2023ના રોજ ભારતના ‘ચંદ્રયાન-
સ્પેસ ફેસ્ટિવલ-2026


- યુવા પેઢીમાં STEM પ્રત્યે રસ, જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના ઉદ્દેશ્ય સાથે સ્પેસ સાયન્સ એક્ઝિબિશન, વર્કશોપ, પ્લેનેટેરિયમ શો, સ્પેસ ક્વિઝ અને નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશનનું આયોજન

ગાંધીનગર, 17 ઓગસ્ટ (હિ.સ.) 23 ઓગસ્ટ, 2023ના રોજ ભારતના ‘ચંદ્રયાન-3’ મિશનના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરીને વિશ્વભરમાં ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાનો ડંકો વગાડ્યો હતો. પ્રજ્ઞાન રોવરે સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરીને ભારતને ચંદ્રના અપ્રાપ્ય દક્ષિણ ધ્રુવીય વિસ્તારમાં પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ અને સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બનાવ્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિને અમર બનાવવા ભારત સરકારે 23 ઓગસ્ટને ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ તરીકે ઘોષિત કર્યો છે.

આ ગૌરવશાળી દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે 21 થી 23 ઓગસ્ટ, 2026 દરમિયાન ત્રિ-દિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષના રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની મુખ્ય થીમ “Towards Viksit Bharat: Innovating, Collaborating and Aspiring to Global Space Leadership” (“વિકસિત ભારત તરફ: નવીનતા, સહયોગ અને વૈશ્વિક અંતરિક્ષ નેતૃત્વની દિશામાં આગેકૂચ”) રાખવામાં આવી છે.

ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણો અને પ્રવૃત્તિઓ

- સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત આ ત્રણ દિવસીય મહોત્સવમાં વિજ્ઞાનપ્રેમીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે વૈવિધ્યસભર કાર્યક્રમો રજૂ કરવામાં આવશે:

- સ્પેસ સાયન્સ એક્ઝિબિશન: દેશની અગ્રણી અંતરિક્ષ સંસ્થાઓ અને ઈસરો આધારિત મોડેલ્સનું પ્રદર્શન.

- પ્લેનેટેરિયમ શો & નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન: ખગોળ વિજ્ઞાન અને તારામંડળ દર્શનનો રોમાંચક અનુભવ.

- વૈજ્ઞાનિકો સાથે પેનલ ડિસ્કશન: ISRO ના પ્રખ્યાત વૈજ્ઞાનિકો અને સંશોધકો સાથે સીધો સંવાદ અને વિજ્ઞાન વ્યાખ્યાનો.

- રચનાત્મક સ્પર્ધાઓ: સ્પેસ રંગોળી, ડિજિટલ પોસ્ટર પ્રેઝન્ટેશન, ઓરિગામી અને સ્પેસ ક્વિઝ.

- હેન્ડસ ઑન વર્કશોપ: વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ સાયન્સ અને રોકેટ મોડેલિંગ વર્કશોપ.

આ ફેસ્ટિવલમાં રાજ્ય અને દેશભરમાંથી અંતરિક્ષ ક્ષેત્રે કાર્યરત આશરે 50 જેટલી સંસ્થાઓ, રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ, સ્પેસ સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગો અને ઇનોવેટર્સ ભાગ લેશે. આ ઉપરાંત, ISRO ના Space Applications Centre (SAC) અને Gujarat State Electronics Mission (GSEM)ના સંયુક્ત સહયોગથી આયોજિત આ વિજ્ઞાન પ્રદર્શન તમામ વયજૂથના મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.

આ ત્રિ-દિવસીય મહોત્સવમાં રાજ્યભરમાંથી અંદાજિત 20,000 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો જોડાનાર છે. 23 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસના સમાપન પ્રસંગે વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને આકર્ષક પુરસ્કારો અને એવોર્ડ્સ એનાયત કરવામાં આવશે.

આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની અંતરિક્ષ ક્ષેત્રની સફળતાઓને જનસામાન્ય સુધી પહોંચાડવાનો છે, જેથી યુવા પેઢીમાં STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) પ્રત્યે રસ, જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને તેઓ આ ક્ષેત્રમાં ભવિષ્યની કારકિર્દી બનાવવા માટે પ્રેરિત થાય.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળના ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાનાર આ સ્પેસ ફેસ્ટિવલની મુલાકાત લેવા માટે અંતરિક્ષ વિજ્ઞાનમાં રસ ધરાવતા વિજ્ઞાનપ્રેમીઓ તેમજ અમદાવાદ અને સમગ્ર રાજ્યના નાગરિકોને ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દ્વારા હાર્દિક અનુરોધ કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande