
ભાવનગર 17 ઓગસ્ટ (હિ.સ.) ઢસા અને ચીતલ રેલવે સ્ટેશનો પરથી જનપ્રતિનિધિઓએ લીલી ઝંડી બતાવી શુભારંભ કર્યો; નવા માર્ગથી મુસાફરોને ઝડપી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટી મળશે.
રેલવે બોર્ડની મંજૂરી અનુસાર ટ્રેન નંબર 26902/26901 વેરાવળ-સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના પરિવર્તિત માર્ગનો શુભારંભ સમારોહનો આયોજિત કરવામાં આવ્યો. આ પ્રસંગે ઢસા રેલવે સ્ટેશન પરથી નિમુબેન જયંતિભાઈ બાંભણિયા, માનનીય રાજ્યમંત્રી, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ભારત સરકાર તથા માનનીય સાંસદ, ભાવનગર (લોક સભા), તેમજ શંભુપ્રસાદજી બલદેવદાસ ટુંડિયા, માનનીય ધારાસભ્ય, ગઢડાની ગરિમામય ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરવામાં આવી.
આ જ ક્રમમાં ચીતલ રેલવે સ્ટેશન પરથી કૌશિકભાઈ વેકરિયા, માનનીય ધારાસભ્ય, અમરેલી તથા કાયદો, ન્યાયપાલિકા, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, વિધાનસભા અને સંસદીય બાબતોના મંત્રી, ગુજરાત સરકાર તથા ભરતભાઈ સુતરીયા, માનનીય સાંસદ, અમરેલી (લોકસભા) દ્વારા પણ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી પરિવર્તિત માર્ગ પર સેવાનો શુભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે ઢસા જંક્શન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જનપ્રતિનિધિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. ચીતલ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્માએ જનપ્રતિનિધિઓનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું.
નિમુબેન જયંતિભાઈ બાંભણિયા અને શંભુપ્રસાદજી બલદેવદાસ તુંડિયાએ અન્ય જનપ્રતિનિધિઓ સાથે બોટાદ રેલવે સ્ટેશનથી ઢસા જંક્શન રેલવે સ્ટેશન સુધી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી. મુસાફરી દરમિયાન તેમણે રેલવે અધિકારીઓ તથા મુસાફરો સાથે વાતચીત કરી તેમની પ્રતિક્રિયા જાણી. મુસાફરોએ વંદે ભારત એક્સપ્રેસના પરિવર્તિત માર્ગથી મળનારી સુવિધા અંગે ખુશી વ્યક્ત કરી તથા માનનીય મંત્રીનો આભાર માન્યો. બોટાદ રેલવે સ્ટેશન પર માનનીય ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન વંદે ભારત એક્સપ્રેસનું સ્વાગત કરવામાં આવ્યું.
ધોળા રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસના આગમન સમયે પણ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. સ્ટેશન પર ઉપસ્થિત નાગરિકો તથા રેલ મુસાફરોએ પોતાના સાંસદ અને મંત્રીનું જોરદાર અભિવાદન કર્યું તથા નવી રેલ સેવાના પ્રારંભ અંગે ખુશી વ્યક્ત કરી.
ઢસા જંક્શન રેલવે સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમમાં મયુરભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ, બોટાદ; પાયલબેન માથોલિયા, જિલ્લા પંચાયત પ્રમુખ, બોટાદ; સુરેશભાઈ ગોધાણી, પૂર્વ જિલ્લા પ્રમુખ તથા શ્રી ભોળાભાઈ રબારી, ચેરમેન ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ, જનપ્રતિનિધિઓ, રેલ મુસાફરો, સામાન્ય નાગરિકો તથા મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.
પરિવર્તિત માર્ગથી આ સ્ટેશનોને મળશે લાભ
પરિવર્તિત માર્ગ બાદ વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ (26902) તથા સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ (26901) હવે જૂનાગઢ, ચીતલ, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા અને ગાંધીગ્રામ સ્ટેશનો પર સ્ટોપેજ આપશે. આનાથી સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના મહત્વપૂર્ણ વિસ્તારો વચ્ચે ઝડપી, સુવિધાજનક અને આધુનિક રેલ કનેક્ટિવિટીને વેગ મળશે.
વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 26902)
ટ્રેન નંબર 26902 વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડશે. આ ટ્રેન વેરાવળથી 15:50 કલાકે ઉપડી 22:25 કલાકે સાબરમતી પહોંચશે.
સ્ટેશનો પર આગમનનો સમય નીચે મુજબ રહેશે: જૂનાગઢ: 16:48 કલાકે, ચતલ: 18:04 કલાકે, ઢસા: 18:28 કલાકે, ધોળા: 18:50 કલાકે, બોટાદ: 19:30 કલાકે, ધંધુકા: 20:10 કલાકે, ધોળકા: 21:00 કલાકે, ગાંધીગ્રામ: 21:50 કલાકે. સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 26901)
ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ પણ ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડશે. આ ટ્રેન સાબરમતીથી 06:00 કલાકે ઉપડી 12:50 કલાકે વેરાવળ પહોંચશે.
સ્ટેશનો પર આગમનનો સમય નીચે મુજબ રહેશે: ગાંધીગ્રામ: 06:16 કલાકે, ધોળકા: 06:50 કલાકે, ધંધુકા: 07:35 કલાકે, બોટાદ: 08:20 કલાકે, ધોળા: 08:48 કલાકે, ઢસા: 09:17 કલાકે, ચતલ: 09:43 કલાકે, જૂનાગઢ: 11:00 કલાકે.
આધુનિક સુવિધાઓથી સજ્જ છે વંદે ભારત એક્સપ્રેસ
વંદે ભારત એક્સપ્રેસમાં કુલ 08 કોચ છે, જેમાં ચેર કાર શ્રેણીના 07 કોચ તથા એક્ઝિક્યુટિવ ચેર કાર શ્રેણીનો 01 કોચ સામેલ છે. દરેક કોચમાં પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (PIS) સ્ક્રીન લગાવવામાં આવી છે, જેના માધ્યમથી આગામી સ્ટેશન, ટ્રેનની ઝડપ તથા માર્ગ સંબંધિત માહિતી મેળવી શકાય છે.
મુસાફરોની સુવિધા માટે દરેક સીટની નીચે મોબાઇલ, લેપટોપ તથા ટેબ્લેટ ચાર્જ કરવા માટે ચાર્જિંગ સોકેટ અને USB પોર્ટ ઉપલબ્ધ છે.
મુસાફરો માટે ભોજનની સુવિધા પણ ઉપલબ્ધ છે. ટિકિટ બુકિંગ સમયે મુસાફરો બ્રેકફાસ્ટ, નાસ્તો તથા ડિનરનો વિકલ્પ પસંદ કરી શકે છે, જે સીટ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ટ્રેનમાં ટચ-ફ્રી અને આધુનિક બાયો-વેક્યુમ શૌચાલય, દરેક કોચમાં ચા, કોફી તથા ગરમ પાણી માટે મિની પેન્ટ્રી, મુસાફરોની સુરક્ષા માટે નાઇટ-વિઝન સક્ષમ CCTV કેમેરા, સેન્સર આધારિત દરવાજા તથા દિવ્યાંગ મુસાફરો માટે વ્હીલચેર અને અનુકૂળ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત મુસાફરો માટે ઓન-બોર્ડ Wi-Fiની સુવિધા પણ આપવામાં આવે છે.
વંદે ભારત એક્સપ્રેસના પરિવર્તિત માર્ગથી સૌરાષ્ટ્ર તથા ગુજરાતના વિવિધ મહત્વપૂર્ણ વિસ્તારો વચ્ચે સંપર્ક વધુ મજબૂત બનશે તથા મુસાફરોને આધુનિક, સુરક્ષિત, આરામદાયક અને સમયબદ્ધ રેલ મુસાફરીનો લાભ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ