
અમદાવાદ, 17 ઓગસ્ટ (હિ.સ.) : શનિવારે 15 ઓગસ્ટ મોડી રાતે અમદાવાદના સુભાષબ્રિજ ચાર રસ્તા પર એક યુવકની 8થી 10 જેટલા શખ્સોએ ભેગા મળીને અંગત અદાવતમાં હત્યા કરી હતી. આ હત્યા કેસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સુભાષબ્રિજ સર્કલ પાસે અજય સાલ્વી નામનો યુવક તેના ભાઈ સાથે ઉભો હતો, ત્યારે જુના ઝઘડાની અદાવતમાં 10 લોકો ભેગા મળી ટેમ્પોમાં આવ્યા હતા.
ટેમ્પોમાંથી તલવાર, ધારિયા જેવા હથિયાર સાથે આરોપીઓ નીચે ઉતર્યા અને અજયને દોડાવ્યો હતો. અજય પડી જતા પીઠના અને કમરના ભાગે હથિયારના ઘા માર્યા હતા. પીઠ પર 15થી વધુ ઘા મારતા અજયની આંતરડું પણ બહાર આવી ગયું હતું. હત્યા બાદ આરોપીઓ ટેમ્પોમાં બેસીને ત્યાંથી નાસી ગયા હતા. રાણીપ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે 8 આરોપીને છત્રાલના ગોડાઉનમાંથી ઝડપી પાડ્યા છે.
પોલીસ તપાસમાં આ હત્યા જૂની અદાવતમાં થઈ હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ અગાઉ મદ્રાસી સમાજના લોકો અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં મૃતક અજયે મદ્રાસી સમાજના લોકોનો પક્ષ લઈને આરોપીનો વિરોધ કર્યો હતો. તે દિવસથી આરોપી અને તેના સાગરિતો મૃતકને મારવાની ફિરાકમાં હતા. 15 ઓગસ્ટ મોડી રાતે મોકો મળતા જ વિશાલ અને તેના સાગરીતોએ અજય પર જીવલેણ હુમલો કરી હત્યા કરી હતી.
એસીપી ડી.વીરાણાએ કહ્યું કે, આરોપી અંકિત પરમાર, સાગર ઉર્ફે માફિયા પરમાર અને વિશાલ ચૌહાણ અને અન્ય 7થી 8 સાથીદારો સાથે મળીને હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. આરોપીઓ મહિન્દ્રા પિકઅપ ડાલામાં તલવાર, ધારીયા અને છરી સહિતના હથિયારો સાથે સુભાષચંદ્ર બોઝ સર્કલ પહોંચ્યા હતા. ત્યાં આરોપીઓએ રણછોડભાઈ ઉર્ફે અજય રાજુભાઈ સાલવી પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાથી યુવકનું મોત નીપજ્યું હતું.
ટેકનિકલ ઇન્ફોર્મેશનના આધારે જાણવા મળ્યું હતું કે, ટેમ્પો ઉદયપુરના પાલ માળવાડીના નામે નોંધાયેલું છે અને છેલ્લા કેટલાક સમયથી રાજેશ ભોઈ ચલાવતો હતો. જેથી પોલીસે અમદાવાદ અને આસપાસના જિલ્લામાં જાણ કરી નાકાબંધી કરાવી હતી.બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વાહનનું છેલ્લું લોકેશન છત્રાલ જીઆઇડીસી મળ્યું હતું. જે આધારે રાણીપ પોલીસ સ્ટેશન, ડીસીપી ઝોન-2ના એલસીબી સ્ટાફ અને સર્વેલન્સની ટીમે છત્રાલ જીઆઇડીસીમાં પહોંચીને ટેમ્પો સહિત 8 આરોપીને ઝડપી લીધા હતા
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ