
નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) પોતાની કોમેડી અને ડિજિટલ કન્ટેન્ટથી દર્શકોમાં ખાસ ઓળખ બનાવનાર અભિનેતા ભુવન બામ હવે એક બિલકુલ અલગ અંદાજમાં જોવા મળવાના છે. તેમની આગામી ઐતિહાસિક-ડ્રામા સિરીઝ 'ધ રિવોલ્યુશનરીઝ'ની જાહેરાત થઈ ગઈ છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામની પૃષ્ઠભૂમિ પર બનેલી આ સિરીઝમાં ભુવન મહાન ક્રાંતિકારી રાસબિહારી બોઝની ભૂમિકા ભજવશે. તેમની સાથે રોહિત સરાફ, પ્રતિભા રાંટા અને ગુરફતેહ પીરઝાદા પણ મહત્વના પાત્રોમાં જોવા મળશે.
નિખિલ અડવાણીના નિર્દેશનમાં બનેલી 'ધ રિવોલ્યુશનરીઝ'નું નિર્માણ મોનિષા અડવાણી અને મધુ ભોજવાણીના એમ્મે એન્ટરટેઈનમેન્ટના, બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ સિરીઝ લેખક સંજીવ સાન્યાલના પુસ્તક 'ક્રાંતિકારી: ભારતની સ્વતંત્રતાની બીજી વાર્તા' પર આધારિત છે. વાર્તા 1912ના સમયગાળાના તે યુવા અને નીડર સ્વતંત્રતા સેનાનીઓના સંઘર્ષને સામે લાવશે, જેમણે બ્રિટિશ શાસન વિરુદ્ધ હથિયાર ઉઠાવીને આઝાદીની લડાઈને એક નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો હતો. સિરીઝમાં રોહિત સરાફ સચિન્દ્ર નાથ સાન્યાલની ભૂમિકા ભજવી રહ્યા છે.
ભુવન બામ માટે આ પ્રોજેક્ટ એટલા માટે પણ ખાસ છે, કારણ કે તેમને અત્યાર સુધી મુખ્યત્વે હાસ્ય ભૂમિકાઓ અને ડિજિટલ કન્ટેન્ટ માટે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં રાસબિહારી બોઝ જેવા ઐતિહાસિક પાત્રને પડદા પર ભજવતા જોવા તેમના પ્રશંસકો માટે નવો અનુભવ હશે. 'ધ રિવોલ્યુશનરીઝ'નું પ્રીમિયર 11 સપ્ટેમ્બર 2026ના રોજ એમેઝોન પ્રાઇમ વિડિયો પર થશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ