
નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) ઝોયા અખ્તરની બહુચર્ચિત ફિલ્મ 'ઝિંદગી ના મિલેગી દોબારા'ના અનુવર્તી ભાગની રાહ જોઈ રહેલા ચાહકો માટે મોટી ખુશખબર છે. નિર્દેશકે ફિલ્મના બીજા ભાગ પર કામ શરૂ થવાની પુષ્ટિ કરી દીધી છે. 2011માં રિલીઝ થયેલી હૃતિક રોશન, ફરહાન અખ્તર અને અભય દેઓલ અભિનીત આ ફિલ્મે મિત્રતા, સંબંધો અને જીવનને ખુલ્લેઆમ જીવવાના સંદેશને કારણે, દર્શકોમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. લાંબા સમયથી તેના અનુવર્તી ભાગને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ હવે ખુદ ઝોયા અખ્તરે તેના પર મહોર લગાવી દીધી છે.
વાતચીતમાં ઝોયાએ જણાવ્યું કે, 'ઝિંદગી ના મિલેગી દોબારા 2' પર કામ ચાલી રહ્યું છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ફિલ્મને આગળ વધારતા પહેલાં વાર્તા અને પાત્રોનો વર્તમાન સમય સાથે યોગ્ય તાલમેલ બેસાડવો જરૂરી છે. તેમના મતે, ટીમ એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે, શું આ પાત્રોને આજના સમયમાં ફરી મળવું વાર્તાની દ્રષ્ટિએ યોગ્ય રહેશે. આના પરથી સ્પષ્ટ થાય છે કે અનુવર્તી ભાગ ફક્ત જૂની સફળતાનું પુનરાવર્તન કરવાને બદલે વાર્તા અને પાત્રોને અનુરૂપ બનાવવામાં આવશે.
'ઝિંદગી ના મિલેગી દોબારા'માં, હૃતિકે- અર્જુન, ફરહાને- ઇમરાન અને અભય દેઓલે- કબીરનું પાત્ર ભજવ્યું હતું. ત્રણેય મિત્રોની સ્પેન યાત્રા દરમિયાન જીવન, પ્રેમ અને સંબંધોને લઈને થયેલા બદલાવોએ ફિલ્મને ખાસ ઓળખ અપાવી હતી. કેટરિના કૈફ, કલ્કિ કોચલિન અને નસીરુદ્દીન શાહ પણ ફિલ્મના ભાગ હતા. હવે અનુવર્તી ભાગમાં જૂના પાત્રોની વાર્તાને 15 વર્ષ પછી કઈ રીતે આગળ વધારવામાં આવશે અને શું આખી મૂળ કલાકારોની ટીમ ફરી સાથે આવશે, તેને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ