
ગુવાહાટી,નવી દિલ્હી, 02 ઓગસ્ટ (હિ.સ.) આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમાએ રવિવારે જણાવ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ ઉપલા આસામમાં તાજેતરમાં આવેલા પૂરથી પ્રભાવિત પરિવારોની મદદ માટે આસામના મુખ્યમંત્રી રાહત કોષમાં 21 કરોડનું યોગદાન આપ્યું છે.
સોશિયલ મીડિયા ફેસબુક પર મુખ્યમંત્રીએ એક પોસ્ટ શેર કરતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આ સંસ્થાએ સંકટના સમયે હંમેશા આસામના લોકોની મદદ કરી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, જ્યારે પણ રાજ્યે મુશ્કેલ સમયનો સામનો કર્યો છે, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી હંમેશા આસામના લોકોની સાથે ઊભા રહ્યા છે.
ડૉ. સરમાએ કોવિડ-19 મહામારી દરમિયાન ફાઉન્ડેશનની મદદને યાદ કરી, જ્યારે તેણે રાજ્યના લોકોને સમયસર સહાય પૂરી પાડી હતી. કહ્યું કે, આ નવા યોગદાનથી ઉપલા આસામમાં પૂરથી પ્રભાવિત પરિવારો માટે રાહત અને પુનર્વસનના પ્રયાસોને મજબૂત કરવામાં મદદ મળશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આર્થિક સહાયની સાથે-સાથે, રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભોજન, જાહેર આરોગ્ય સેવાઓ, કટોકટી આશ્રય અને પશુધન માટે સહાય પૂરી પાડવાનું કામ કરી રહી છે.
ડૉ. સરમાએ કહ્યું કે, હું આસામના લોકો પ્રત્યે તેમની સંવેદના, દયા અને સમર્થન માટે નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
હિન્દુસ્થાન સમાચાર / અરવિન્દ રાય / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ