
ભાવનગર, 24 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર રેડક્રોસ સોસાયટી અને જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે તા. 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આ અંતર્ગત ચક્ષુદાન, દેહદાન અને અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે શહેર અને જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ પખવાડિયા દરમિયાન આરોગ્ય વિભાગ તથા જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી સાથે સંકલન કરીને ચક્ષુદાનના પ્રચાર-પ્રસાર માટે જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. જાહેર સ્થળોએ સંકલ્પપત્રો ભરાવવા, માહિતીપ્રદ પ્રદર્શનો, વ્યાખ્યાનો, રેલી, પત્રિકા વિતરણ, ચિત્ર અને સુલેખન સ્પર્ધા, પોસ્ટર પ્રદર્શન તથા રક્તદાન શિબિર જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ગણેશ ઉત્સવ દરમિયાન પણ ચક્ષુદાન, દેહદાન અને અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે.
અંગદાનના માધ્યમથી જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળી શકે છે. બ્રેનડેડ વ્યક્તિના અંગોનું દાન કરીને અનેક માનવજીવન બચાવી શકાય છે. આ અંગે લોકોને માહિતી મળી રહે અને વધુ લોકો અંગદાન માટે સંકલ્પબદ્ધ બને તે માટે વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને પણ અભિયાનમાં જોડવામાં આવશે.
ભાવનગર રેડક્રોસ ખાતે ચક્ષુદાન, દેહદાન, અંગદાન અને રક્તદાન અંગેની સેવાઓ ઉપલબ્ધ છે. જનજાગૃતિ કાર્યક્રમો યોજવા તથા સંકલ્પપત્ર ભરવા માટે રેડક્રોસ સોસાયટી, દીવાનપરા રોડ, ભાવનગર ખાતે સંપર્ક કરી શકાય છે. ફોન: 2424761, 2430700, મો. 9429406202.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA